Jetpur pavi

જેતપુરપાવીના મધ્ય વિસ્તારમાં ભારે ટ્રેલરોનો ખતરો

પથ્થર ભરેલા તોતિંગ વાહનોથી અકસ્માતની ભીતિ, ટ્રાફિક સમસ્યા ગંભીર
બજાર વિસ્તારમાં યમરાજ સમાન ઝડપે દોડતા ટ્રેલરો સામે નગરજનોમાં રોષ

ગુજરાત મિત્ર | જેતપુરપાવી
જેતપુરપાવી શહેરના મધ્ય વિસ્તારમાંથી પથ્થર ભરેલા મોટા ટ્રેલરો પસાર થતાં અકસ્માતનો ગંભીર ભય ઊભો થયો છે. છેલ્લા ઘણા સમયથી સાંજ પડતાની સાથે જ આવા તોતિંગ ટ્રેલરો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા અને જનસુરક્ષા માટે જોખમ વધ્યું છે.

જેતપુરપાવીના ઘૂંટણવડ વિસ્તારમાં આવેલી ગ્રેનાઈટ માઈન્સોમાંથી પથ્થર ભરેલા ભારે ટ્રેલરો સાંજના સમયે ગામના મધ્ય ભાગ અને બજાર વિસ્તારમાંથી ઝડપભેર પસાર થાય છે. ખાસ કરીને બજાર વિસ્તારમાં દિવસભર ખરીદી માટે આવતા નગરજનો, મહિલાઓ અને બાળકોની અવરજવર વધુ હોય છે, ત્યારે આવા ભારે વાહનોના પસાર થવાથી કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ વ્યાપી છે.

સ્થાનિક નગરજનોના જણાવ્યા મુજબ ટ્રેલરો ઘણીવાર નિર્ધારિત ગતિમર્યાદા વિના અને ટ્રાફિક નિયમોનું પાલન કર્યા વગર દોડતા જોવા મળે છે. સાંજના સમયે બજારમાં ભારે ભીડ હોવાને કારણે જોખમ વધુ વધી જાય છે.

નગરજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે ભારે વાહનો માટે અલગ બાયપાસ માર્ગ નિર્ધારિત કરવામાં આવે અથવા બજાર વિસ્તારમાં ચોક્કસ સમય બાદ જ આવા વાહનોને પ્રવેશ આપવામાં આવે. સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા કડક દેખરેખ અને ગતિ નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.
જો સમયસર તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ જ પગલાં લેવાશે તેવી ચિંતા નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.

રિપોર્ટર: આરીફ ખત્રી

Most Popular

To Top