ત્રણ સંતાનો પૈકી સૌથી વ્હાલા નાના પુત્રનું અકાળે અવસાન થતા ચાર માસથી વેદના અનુભવતી માતાએ એસિડ પીધું
વડોદરા: માં તે માં બીજા વગડાના વા… ઉક્તિ અનાદિકાળ થી સાર્થક છે. આવો જ એક બનાવ પાદરા તાલુકાના સોમજીપુરા ગામમાં બન્યો હતો. ચાર રસ્તા પાસે ભાથુજી ના મંદિર પાસે રહેતા શાંતાબેન વિઠ્ઠલભાઈ સોલંકીને (ઉં.વર્ષ 52) ત્રણ પુત્ર હતા. તેમનો 28 વર્ષીય પુત્ર દિલીપ ખેતીકામ કરીને આજીવિકા રળતો હતો. અપરિણીત દિલીપ ચાર માસ પૂર્વે બીમાર પડ્યો હતો. તબીબી સારવાર બાદ મોત નિપજ્યું હતું. જ્યારથી જુવાનજોધ દિલીપનું જ્યારથી અકાળે મોત નિપજ્યું ત્યારથી માતા દિલીપનો ફોટો જોઈને ગુમસુમ બેસી રહેતી હતી. 9 તારીખે બંને મોટા પુત્રો કામ અર્થે બહાર ગયા હતા. એકલી પડેલી માતાને જમતા જમતા દિલીપની યાદ આવી ગઈ હતી. જેથી મનમાં આઘાત લાગ્યો હતો. પુત્ર વેદનામાં વ્યથિત થઈ ગયેલી માતા શાંતાબેને આત્મ હત્યા કરવા બાથરૂમ સાફ કરવા મુકી રાખેલું એસિડ ગટગટાવી લીધું હતું. પરિવારજનોને જાણ થતા માતાને બેભાન અવસ્થામાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. આઠ દિવસની સારવાર બાદ શાંતાબેનનું મોત નિપજ્યું હતું.
કરુણ બનાવની જાણ થતા આસપાસના રહીશોમાં શોક વ્યાપી ગયો હતો. બંને પુત્રો હજુ પણ માનતા નથી કે તેમની માતાએ આત્મઘાતી આગલું ભર્યું છે. પાદરા પોલીસ એ અકસ્માત મોતની નોંધ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.