ન તારીખ જાહેર કરાઈ ન વેઇટિંગ લિસ્ટ, પાલિકા તરફથી હજુ પણ સ્પષ્ટતા નહીં
ઉમેદવારો પોતાના પ્રશ્નો લઈને ક્યારેક રૂબરૂ, તો ક્યારેક સોશિયલ મીડિયા પર પોતાની વેદના ઠાલવે છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની 552 જગ્યાઓ માટે માર્ચ 2024માં પ્રથમ તબક્કાની નિમણૂક કરવામાં આવી હતી. આ તબક્કામાં 480 જેટલા ઉમેદવારો જ ફરજ પર હાજર થયા હતા, જ્યારે લગભગ 70 ઉમેદવારો પહેલી જ રાહમાં હાજર થયા નહોતા. કેટલાય ઉમેદવારોને પછીથી અન્ય સરકારી વિભાગમાં નોકરી મળતાં તેમણે કોર્પોરેશનની નોકરી છોડીને ત્યાં જોડાઈ ગયા. આવી રીતે લગભગ 35 જેટલા ઉમેદવારોએ ફરજ પરથી રાજીનામું આપી દીધું. હાલની માહિતી અનુસાર, વધુ 20 જેટલા ઉમેદવારોના રાજીનામા પાલિકા પાસે પેન્ડિંગ છે. એટલે કુલ મળીને 120થી વધુ ઉમેદવારો કોર્પોરેશનમાં જોડાયા બાદ કોઇ બીજા વિભાગ કે જગ્યા પસંદ કરીને વડોદરા છોડીને ગયા છે. આ સ્થિતિએ હવે જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં છે તેઓ માટે તક ઊભી થઈ છે. પરંતુ પાલિકા તરફથી હજુ સુધી વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં ઘણા ઉમેદવારો નિરાશ થયા છે અને વારંવાર પાલિકા સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. તેઓની માંગ છે કે, વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવે અથવા તો ક્યારે લિસ્ટ બહાર પાડવામાં આવશે તેની ચોક્કસ તારીખ આપવામાં આવે, જેથી તેઓ પોતાનાં ભવિષ્ય અંગે સ્પષ્ટ નિર્ણય લઈ શકે. ઉમેદવારો પોતાના પ્રશ્નો લઈને અનેક વાર રજુઆત કરે છે, ક્યારેક રૂબરૂ, તો ક્યારેક સોશિયલ મીડિયા પર પણ પોતાની વેદના ઠાલવે છે. છતાં, પાલિકા તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. માત્ર એ જ કહેવાય છે કે, “પ્રક્રિયા ચાલુ છે.”
પાલિકા તરફથી કહેવામાં આવ્યું છે કે, સંપૂર્ણ ભરતી પ્રક્રિયા હજી પણ આગળ ચાલી રહી છે. જે રીતે ઓફિસને જરૂર પડશે એ પ્રમાણે પગલાં લેવામાં આવશે. પરંતુ પાલિકા આ બાબતે કોઈ સ્પષ્ટ નિર્ણય લઈ શકી નથી. જેના પગલે ઉમેદવારોને હાલ હેરાન થવાનો વારો આવ્યો છે. ઉમેદવારોને જો ચોક્કસ તારીખ આપવામાં આવે તો તેઓ પોતાના ભવિષ્ય અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે. વધુમાં જે ઉમેદવારોએ રાજીનામા આપ્યા છે તેમના અંગે પણ પાલિકા હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લઈ શકી નથી. આમ બંને બાજુ હેરાન થવાનો વારો ઉમેદવારોને જ આવ્યો છે. તેવામાં બંને પક્ષના ઉમેદવારો પાલિકા પાસે સ્પષ્ટ નિર્ણય લેવાય તેવી માંગ કરી રહ્યા છે.