રોજ સવારે વર્તમાનપત્ર હાથમાં લઈએ એટલે કોઈ ને કોઈ વ્યક્તિની આત્મહત્યાના સમાચાર વાંચવા મળે. આ રીતે કોઈનું પણ જીવન ટુંકાવ્યાના સમાચાર મળે છે ત્યારે મન ઘેરા શોકમાં ડૂબી જાય છે. પ્રશ્ન એ નથી થતો કે ‘શું થયું હશે?’, પ્રશ્ન એ થાય છે કે ‘કેમ આપણે જીવન જેવી અમૂલ્ય ભેટને સમસ્યાઓ સામે ગૌણ માની લીધી?’ આજના સમયમાં આપણે પદ, પ્રતિષ્ઠા અને આર્થિક સમૃદ્ધિને જ સફળતા માની લીધી છે. પરંતુ, ઊંચા હોદ્દા કે ભૌતિક સુખ-સુવિધા ક્યારેય માનસિક શાંતિની ખાતરી આપતાં નથી.
અસલી સફળતા એ નથી કે તમે કેટલું કમાયા, પણ એ છે કે તમે વિપરીત પરિસ્થિતિમાં તમારી માનસિકતાને કેટલી મજબૂત રાખી શક્યા? ક્યારેક તો આપણે કોઈ એક ‘ક્ષણ’ કે કોઈ એક ‘પરિસ્થિતિ’ને જ આખી જિંદગી માની લેવાની ભૂલ કરીએ છીએ. જે સમસ્યા આજે પહાડ જેવી લાગે છે, સમય જતાં તે ધૂળની ડમરી સાબિત થઈ શકે છે. આત્મહત્યા એ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ તમામ સંભાવનાઓનો કાયમી અંત છે. આપણું મૌન જ્યારે આપણી સહનશક્તિ પર હાવી થવા લાગે ત્યારે સમજવું કે હવે કોઈનો સાથ લેવાનો સમય પાકી ગયો છે.
પછી થાય છે એવું કે, આત્મહત્યા કરનાર વ્યક્તિ તો દુનિયા છોડીને ચાલી જાય છે, પણ પાછળ રહી ગયેલાં પરિજનો માટે એ આખી જિંદગીનું ‘જીવતે જીવ મોત’ બની જાય છે. આપણા એક નિર્ણય પાછળ કેટલાંય નિર્દોષ લોકોના શ્વાસ જોડાયેલા હોય છે, શું તેમને આજીવન રડતાં મૂકી દેવાં એ ઉચિત છે? યાદ રાખીએ કે જીવનમાં ગમે તેટલો અંધકાર આવે, પણ આશાનો દીવો ક્યારેય બુઝાવવો નહીં. પરિસ્થિતિ સામે લડવામાં જે મજા છે, એ હારી જવામાં નથી. દરેક રાત પછી સવાર પડે જ છે, બસ તે સવારને જોવાની ધીરજ આપણામાં હોવી જોઈએ. જીવન એ સંઘર્ષનું જ બીજું નામ છે પણ સાથે સાથે એ પણ યાદ રાખીએ કે આ દુનિયામાં એવી કોઈ સમસ્યા જન્મી જ નથી જેનો ઉકેલ ન હોય.…
સુરત – ચારુલતા અનાજવાળા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પડઘા હજી સંભળાય છે
ગણતંત્ર દિવસની ઉજવણી આપણે થોડા દિવસ પહેલાં જ નિહાળી. વિવિધ રાજયોની કૃતિઓ માણી. ગાંધીનિર્વાણ દિન સુધ્ધાં. આઝાદી પહેલાં સ્વતંત્રતાની ચળવળ વેળા મહાત્મા ગાંધીએ દક્ષિણ ગુજરાત-દાંડી કૂચ ધરાસણા મીઠાનો સત્યાગ્રહ કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું. તે સમયે બ્રિટિશ સલ્તનતના લાઠીમારથી અનેક યુવક યુવતીઓનાં માથાં ફૂટયાં હતાં. એ સમયે આઝાદીનો જુવાળ ભવ્યાતિભવ્ય હતો.
સાથે સાથે ભવ્ય હતી નેતાગીરી, ભવ્ય હતી દેશદાઝ, ભવ્ય હતી પાનો ચઢાવતી લેખન પ્રવૃત્તિ. કવિઓ, લેખકો તેમાંના એક રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામનાર ઝવેરચંદ મેઘાણી ‘કોઇનો લાડકવાયો’ ચિરંજીવ કૃતિ. દાયકાઓ પહેલાં શાળામાં શીખેલી પંકિતઓ હજી પડઘાય છે. ‘રકત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, ઘાયલ મરતા મરતા તે માતાની આઝાદી ગાવે. વર્ષો સુધી વલસાડની સ્મશાનભૂમિમાં એક શહીદ યુવાની ખાંભી સચવાઇ. જેના પર શબ્દો કોતર્યા ‘લખજો ખાખ પડી અહીં કોઇના લાડકવાયાની’. ધન્ય છે એ શહીદ યુવાનને, સ્મશાનભૂમિ, શાયર કે જેણે આઝાદીની લડતનાં સંસ્મરણો ગૂંજતાં રાખ્યાં છે. પડઘા હજી સંભળાય છે.
સુરત – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.