Columns

જીવન અને થાળી

શરૂઆતમાં થાળી ચોખ્ખી હોય. તેની સાથે વાડકી-ચમચી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલાં હોય. તેમાં ભોજન પીરસવામાં આવે. તે વખતે જાણે થાળીનું સૌંદર્ય નિરખી ઊઠે. વ્યક્તિ જમવા બેસે ત્યારે પ્રેમથી તે થાળી સાથે જાણે વ્યવહાર કરે. જેમ જેમ ખાવાની પ્રક્રિયા આગળ વધે તેમ તેમ થાળી સાથેના વ્યવહારમાં પ્રેમની માત્રા જાણે ઘટતી જાય. છેલ્લો કોળિયો બાકી હોય ત્યાં સુધી થાળી કંઈક વ્યવસ્થિત જણાય. તેમાં ક્યાંય ગંદકી પ્રતીત ન થાય. એક વાર છેલ્લો કોળીઓ આરોગી લેવાય પછી થાળી ગંદી લાગે. ઘણી વ્યક્તિ તો આ પ્રકારની થાળીને ઊંચકીને ચોકડીમાં પણ ન લઈ જાય. જીવન અને થાળી વચ્ચે ઘણી સમાનતા છે. જીવન એટલે એવી વાસ્તવિકતા જેની સાથે વિવિધ પ્રકારની ઘટના ઘટિત થાય. જીવન વાસ્તવિકતામાં નિર્લેપ હોય પરંતુ તેની સાથે જે જે ઘટના સંકળાય તેનાથી જીવનનું મહત્ત્વ તેમ જ પ્રકાર સ્થાપિત થાય છે. જીવન એક થાળી છે.
થાળી આમ તો નિષ્ક્રિય તેમ જ નિર્લેપ પરિસ્થિતિ છે. થાળી ખવાતી નથી, તેમાં તો માત્ર ખોરાક પીરસવામાં આવે છે. કોઈ મીઠાઈ ચાંદીની થાળીમાં પીરસવામાં આવી હોય કે એલ્યુમિનિયમની, સ્વાદમાં કંઈ ફેર ન પડે, પૌષ્ટિકતા પણ તેવી જ રહે. એકંદરે થાળીને ખોરાક અને ભોજનના પરિણામ વચ્ચે કોઇ પ્રકારનું સમીકરણ નથી. ખોરાકનું પરિણામ તો તેનાં પ્રકાર અને વ્યક્તિની પાચન ક્ષમતા પર આધાર રાખે, થાળી પર નહીં. હા, ચાંદીની થાળી માનસિક રીતે અહંકારને પોષી શકે. આવું જ જીવનમાં છે. જીવન તો સમયને આધારે પસાર થતી પરિસ્થિતિ માત્ર છે. તે જીવનમાં શેનો શેનો પ્રવેશ થાય છે તેના આધારે જીવનને અર્થ પણ મળે અને તેનું મહત્ત્વ પણ સ્થાપિત થાય. જીવનકાળમાં જો ખુશી પ્રવેશે તો થાળી સુંદર જણાય. તેનાથી વિપરીત પરિસ્થિતિ પણ હોઈ શકે. જ્યારે જીવનમાં સુંદરતા પ્રતીત થાય ત્યારે તેમાં થાળીનો કોઈ ફાળો નથી હોતો. જીવન ચાંદીનું હોય કે એલ્યુમિનિયમનું, જો પાચન ક્ષમતા હોય તો, બંને સમાન પરિણામ આપે.
ભૂખની આવશ્યકતા છે, થાળી ગમે તે હોય તે ચાલે. જો ભૂખ ન હોય તો ખોરાક માટે રુચિ જાગ્રત ન થાય. છતાં પણ જો ખોરાક લેવામાં આવે તો નકારાત્મક અસર થવાની પૂરેપૂરી સંભાવના રહે. ભૂખ લાગે ત્યારે થાળી પણ આકર્ષક લાગે. તેમાં પીરસવામાં આવેલું ભોજન રસપ્રદ જણાય. ભોજન કરવાની ઈચ્છા થાય અને તે પ્રમાણે ભોજન ગ્રહણ પણ કરવામાં આવે. તેવી જ રીતે જીવનમાં જો ખરેખર જરૂરિયાત ઊભી થાય, પરિસ્થિતિ પ્રમાણે કોઈ ચોક્કસ પ્રકારની આવશ્યકતા જણાય, તો પછી આપમેળે કાર્યરત થવાય. તેવા સંજોગોમાં એમ કહી શકાય કે જીવનમાં જે તે બાબતની ભૂખ જાગ્રત થઈ છે અથવા તો ભોજન ગ્રહણ કરવાની જરૂરિયાત ઊભી થઈ. પછી જીવનમાં રસ પણ જાગે, તેની સાથે સંલગ્નતા પણ સ્થાપિત થાય અને તેનાથી ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે યોગ્ય પુરુષાર્થનો પ્રારંભ પણ થાય. એક વાર ભૂખ ભાંગી જાય, એક વાર જરૂરિયાત દૂર થઈ જાય, પછી કાર્યમાં રસ ન રહે.


ગુજરાતી સંસ્કૃતિમાં થાળીની ધારણા અનોખી છે. ભલે તેનાથી પેટ ભરાતું હોય પણ ઈડલી-સાંભારને થાળી ન કહેવાય. પશ્ચિમી સંસ્કૃતિથી આયાત કરવામાં આવેલ પીઝાનો સ્વાદ પૂરેપૂરો માણી શકાય પરંતુ પીઝાની ડીશને થાળી ન કહેવાય. થાળી એટલે જેમાં રોટલી, ભાખરી કે પૂરી હોય, શાક અને કઠોળ હોય, દાળ અને ભાત હોય, સાથે છાશ, પાપડ અથાણાં, કચુંબર અને થોડુંક ‘ગળપણ’ હોય. વળી છેલ્લે મુખવાસ પણ મળતો હોય. આ એક સંપૂર્ણ ખોરાક છે. અહીં દરેક રસ છે, દરેક પૌષ્ટિક તત્ત્વની સંભાવના છે, વિવિધ પ્રકારનું ‘કોમ્બિનેશન’ શક્ય છે અને તેની સાથે એક ‘સંપૂર્ણતા’ની ધારણા છે. આમાં ‘થાળી’ તો માત્ર દરેક પ્રકારના રસ અને પૌષ્ટિક તત્ત્વોને રાખવાનું સાધન માત્ર છે. થાળી એ રસ પણ નથી અને પૌષ્ટિકતા પણ નથી. જીવનમાં પણ આમ જ છે. જીવન-કાળ એ તો જુદી જુદી અનુભૂતિને, જુદા જુદા અનુભવોને, જુદી જુદી સમજને, જુદા જુદા પ્રકારના વિશ્વાસને ગોઠવવા માટેનું માધ્યમ માત્ર છે. આ જીવનમાં શું ગોઠવવામાં આવે છે અથવા કર્મના સિદ્ધાંત પ્રમાણે શું ગોઠવાય જાય છે, તે નિર્ધારિત કરે કે રસિકતા અને પૌષ્ટિકતા કેવી અને કેટલી છે. થાળી – જીવન એટલે ઘણાં બધાં રસનો સરવાળો.
ભૂખ આકર્ષે છે, જે તૃપ્ત થયા પછી ચોક્કસ સમયગાળા પૂરતી ‘વિરક્તિ’ સ્થાપિત થાય છે. ભૂખ શમી જાય તે વખતે ક્ષણિક ખુશી મળી શકે. ભૂખ શમી જાય પછી થાળી પણ છોડી દેવાય છે અને વધેલો ખોરાક પણ જેમનો તેમ ત્યાં જ રહી જાય છે. જીવનમાં એક વાર તૃપ્તિ મળે પછી કોઈ પણ પ્રકારની કામવાસના પાછળ મન દોડતું નથી. ભૂખ તો ‘ખોરાક’ની હોય જે ફરીથી જાગ્રત થઈ શકે, તેનાં સંપૂર્ણ શમન માટે જુદા જ પ્રકારની પરિપક્વતા, માનસિકતા તેમ જ સમજની આવશ્યકતા રહે. કોઈ પણ પ્રકારની ભૂખ પ્રત્યે મન ઘેલું ન થાય તો ચોક્કસ થાળી પ્રત્યેનો લગાવ છૂટી જાય, જીવનથી મુક્તિ મળે. મજાની વાત એ છે કે ઉંમર બદલાતાં થાળી તો તેની તે જ રહે, ખોરાક બદલાઈ જાય.
જ્યારે રસ છૂટી જાય ત્યારે, તત્ત્વજ્ઞાનની પરિભાષામાં તેને ‘વિરક્તિ’ કહેવાય. જ્યારે શરીર અને ઇન્દ્રિયની ઈચ્છા ન હોય અથવા પૂરી થઈ ગઈ હોય ત્યારે ‘ખોરાક’ પ્રત્યેનો મોહ ઓછો થઈ જાય અને આ વિશ્વના ભોગો પણ નીરસ જણાય. ભોજનની આવશ્યકતા ન હોય તો થાળીની જરૂર ન રહે. ત્યાં સુધી, થાળીની જેમ જીવનને પણ સાફ કરવું પડે. તેમાં ઘણા બધા અનુભવોની અસર રહી જાય. તે બધાંની ગ્રંથિ બંધાવી ન જોઈએ. સમય પ્રમાણે જેતે પરિસ્થિતિ, જેતે ઘટના સ્થાપિત થઈ, એમ માની મનમાં ક્યાંક સંગ્રહિત થયેલી ‘ગંદકી’નો નિકાલ કરવો જોઈએ.

હેમુ ભીખુ

Most Popular

To Top