એક ઝેન ગુરુને તેમના મિત્રે પૂછ્યું, ‘જીવનનો ખરો અર્થ શું?’ઝેન ગુરુ હસ્યા અને બોલ્યા, ‘જીવનનો અર્થ છે જીવવું.’ મિત્ર બોલ્યો, ‘બરાબર સમજાવો, આમ મજાક ન કરો.’ઝેન ગુરુએ કહ્યું, ‘બરાબર સાચું જ સમજાવું છું. સાચા અર્થમાં આજની પળમાં શ્વાસ લઈને આજને માણવી.ન ભવિષ્યની ચિંતા,ન ગઈકાલનું દુઃખ, બસ આજમાં પણ કોઈ માંગણીઓ કે ઈચ્છા વિનાની ખુશી એ જીવનનો અર્થ છે.’ મિત્રે કહ્યું, ‘તો પછી હવે સમજાવો કે બરાબર અર્થસભર જીવવા માટે સૌથી વધારે શું જરૂરી છે?’ઝેન ગુરુએ સામો પ્રશ્ન કર્યો, ‘પહેલાં મને જણાવ, તને અર્થસભર જીવવા માટે જરૂરી શું લાગે છે?’ થોડી વાર વિચાર કર્યા બાદ મિત્રે કહ્યું, ‘જીવનમાં શ્રીમંત હોવું, કોઈ કમી ન હોવી.જીવનમાં લોકપ્રિય અને પ્રખ્યાત હોવું, જ્યાં જાવ ત્યાં માન મેળવવું.
ભરપૂર જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેના ઉપયોગથી સફળ બનવું.જીવનમાં શક્તિશાળી બનવું અને પોતાની તાકાતથી બધાને વશમાં રાખવા.આ બધું મેળવી શકાય તો જીવન અર્થસભર લાગે. હવે તમે કહો, આ બધામાંથી સૌથી મહત્ત્વનું શું છે?’ ઝેન ગુરુ હસ્યા અને બોલ્યા, ‘આ બધામાંથી કંઈ જ જરૂરી નથી.’આ જવાબ સાંભળી મિત્રને નવાઈ લાગી. તેને કહ્યું, ‘આજે તમે મજાક જ કરો છો. જો, આ બધું જરૂરી નથી તો જીવન અર્થપૂર્ણ કઈ રીતે બને?’ ઝેન ગુરુ બોલ્યા, ‘અર્થપૂર્ણ જીવન માટે આ બધું જરૂરી નથી.સૌથી વધારે જરૂરી છે દિલથી સાચા બનવું..કોઈ ડોળ કે ઢોંગ વિના.
કોઈ વાત છુપાવ્યા વિના ,ચહેરા પર કોઈ મહોરું પહેર્યા વિના જીવવું.દરેક સંજોગોમાં એકદમ વિનમ્ર રહેવું.વધુ પૈસા હોય કે તાકાત કે જ્ઞાન વધુ ને વધુ નમ્ર રહેવું એ જીવનનો ખરો અર્થ છે. ઈશ્વરે તમને જે આપ્યું હોય, જેટલું આપ્યું હોય તેનો સ્વીકાર કરવો અને જે હોય તેમાંથી અન્યને જરૂર કૈંક આપવું.હંમેશા કંઈ લીધા વિના આપતા જ રહેવું એ જીવનનો ખરો અર્થ છે.જાતને ઘસી નાખીને પણ અન્યને મદદરૂપ થવું.પોતાની મહેનત, પ્રેમ,સેવાથી સામેવાળાના હ્રદયને સાચા અર્થમાં સ્પર્શ કરવો.તેને હંમેશ માટે પોતાના કરી લેવા અને પ્રેમનો ફેલાવો કરવો એ જ જીવનનો અર્થ છે.જોયું, અહીં કોઈ અર્થમાં જીવનને અર્થસભર રીતે જીવવા માટે પૈસા ,જ્ઞાન, તાકાત, લોકપ્રિયતાની જરૂર નથી.માટે જરૂર છે સાચા સ્નેહ, પ્રેમ,સ્વીકાર અને નમ્રતાની. આ મેળવી લેશો તો જીવનની એક એક પળ અર્થપૂર્ણ રીતે જીવી શકાશે.’ઝેન ગુરુએ જીવનનો ખરો ગૂઢ અર્થ સરળ રીતે સમજાવ્યો અને મિત્રે ઝેન ગુરુને નમન કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.