Business

જીવનને માણવા માટે

એક દિવસ એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, તમે શીખવાડો છો કે જન્મ  પામનારનું મૃત્યુ નિશ્ચિત જ છે.એક દિવસ આપણને આ જીવન મળ્યું છે તે પૂરું થઇ જવાનું છે તો આ જીવન પૂરું થાય તે પહેલાં તેને પૂરી રીતે માણો પણ આ જ જીવન પૂરું થવાનું જ છે તે વાત મૃત્યુનો વિચાર મને જીવન માણવા દેતો જ નથી તો હું શું કરું? જીવનને કઈ રીતે માણું?’ ગુરુજી હસ્યા અને બોલ્યા. ‘વત્સ, તારા સવાલમાં જ મારા જવાબની શરૂઆત છે.તને ખબર છે કે આ જીવન મળ્યું છે,માનવજન્મ મળ્યો છે અને તે અમુક સમય માટે જ છે એટલે તેનું મૂલ્ય સમજવું જોઈએ અને પ્રભુએ આપેલા જીવનની કદર કરવી જોઈએ.બીજું, મૃત્યુ તો બધાનું જ થવાનું છે તો શું મૃત્યુના વિચારથી જીવન જીવવાનું અને માણવાનું બધા છોડી દે છે? અરે વત્સ, જે જીવન મળ્યું છે અને જેટલું બાકી છે એટલું પ્રેમથી જીવી લે.’

ગુરુજીએ તેને દૂર આશ્રમના બગીચામાં ઊગેલું ગુલાબનું ફૂલ બતાવતાં પૂછ્યું, ‘વત્સ, પેલું ગુલાબનું ફૂલ તને ગમે છે?’ શિષ્યે કહ્યું, ‘હા મને તે ફૂલ અને તેની સુગંધ બહુ ગમે છે. હું પોતે રોજ છોડમાં પાણી નાખું છું.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ તને ખબર છે ને કે આજે ખીલેલું સુગંધ ફેલાવતું ગુલાબનું ફૂલ કાલે કરમાઈ જશે તો પણ તું તેને ઉગાડે છે ,પાણી આપે છે તેને જોઇને રાજી થાય છે ને?’

શિષ્ય બોલ્યો, ‘હા ગુરુજી.’ ત્યાં તો ગુરુજીએ તેના હાથમાં ગરમ ગરમ શીરો ભરેલો વાટકો આપ્યો અને તેને શીરો ખાવા કહ્યું.શિષ્ય રાજી થઈને આખો વાટકો શીરો ખાઈ ગયો અને વાટકો ખાલી થઈ ગયો.ગુરુજી બોલ્યા, ‘વત્સ, તેં શીરો ભરેલો વાટકો જોયો ત્યારે તને આનંદ મળ્યો અને તે શીરો ખાઈ લીધો એટલે અત્યારે વાટકો ખાલીખમ થઈ ગયો પણ જયારે તે શીરો આરોગ્યો હતો ત્યારે તને વધુ આનંદ મળ્યો હતો બરાબર.’ શિષ્યે હા પાડી.

ગુરુજી બોલ્યા, ‘રોજ ચંદ્ર ઊગે છે અને આથમે છે.રોજ તેની કળા અને આકાર બદલાય છે. આપણે જાણીએ છીએ કે દર અમાસે ચંદ્ર ગાયબ થઈ જશે પણ છતાં રોજ ચન્દ્રની છબી જોઈ ખુશ તો થઈએ જ છીએ.ગુલાબનું ફૂલ કરમાઈ જવાનું છે…શીરો ભરેલો વાટકો ખાલી થશે ખબર છે..અમાસે ચંદ્ર નહિ દેખાય ખબર છે છતાં જયારે તે આપણી સામે છે ત્યારે આપણે બધું ભૂલીને તેનો આનંદ માણીએ છીએ તેવું જ જીવનનું છે. ભલે તે મૃત્યુ આવતાં એક દિવસ પૂરું થશે પણ ત્યાં સુધી તો તેને જીવવું અને મન ભરીને જીવવું જરૂરી છે.’ ગુરુજીએ શિષ્યના મનનો ભાર ઓછો કરતી સાચી સમજ આપી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top