Anand

જીટોડીયા પાસે મધરાતે ગમખ્વાર અકસ્માત: કારની ટક્કરે બાઇક સવાર બે મિત્રોના સ્થળ પર જ મોત

આણંદ–બોરસદ રોડ પર હરિકૃષ્ણ ટાઉનશીપ પાસે પાછળથી ધડાકાભેર ટક્કર

ઢુંઢાકુવાના બે યુવકનાં કરુણ મોત, કાર ચાલક સામે આણંદ ગ્રામ્ય પોલીસનો ગુનો નોંધાયો
આણંદ:
આણંદ–બોરસદ રોડ પર જીટોડીયા ગામ પાસે મધરાતે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં પુરપાટ ઝડપે આવેલી કારએ આગળ જતી બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક સવાર બે મિત્રોના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યાં હતા. બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ બોરસદના ઢુંઢાકુવા ગામના રહેવાસી પ્રવિણ કાંતિભાઈ પરમાર (ઉ.વ. 37) આણંદની ગંજ બજારમાં છૂટક મજૂરી કામ કરતા હતા. તેઓ 25 માર્ચના રોજ સવારે બાઇક લઈને કામ પર નીકળ્યા હતા, પરંતુ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પત્ની શીતલબહેને તેમના મિત્ર ધર્મેન્દ્રભાઈને ફોન કર્યો હતો. આ ફોન અજાણ્યા વ્યક્તિએ ઉપાડી જીટોડીયા નજીક અકસ્માત થયાની જાણ કરી હતી.
આ માહિતી મળતાં જ પ્રવિણના ભાઈ ભરતભાઈ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ હાજર હતી. જીટોડીયા હરિકૃષ્ણ ટાઉનશીપના ગેટ પાસે પ્રવિણ પરમાર અને તેમના મિત્ર ધર્મેશ ગીરીશભાઈ પટેલ (ઉ.વ. 37) લોહીલુહાણ હાલતમાં રસ્તા પાસે પડેલા મળ્યા હતા. બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું.
તપાસ દરમિયાન સ્થળ નજીક જીજે 3 એચઆર 3894 નંબરની એક્સયુવી કાર મળી આવી હતી, જેમાં એરબેગ પણ ખુલેલી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મધરાતે બારેક વાગ્યાના આસપાસ બોરસદ તરફ જતા બાઇકને પાછળથી પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે બેદરકારીપૂર્વક ટક્કર મારી હતી, જેના કારણે બંને યુવકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં મેહુલ મનુભાઈ પરમાર (રહે. મોચીકુઈ સીમ, કરમસદ)ને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આણંદ ગ્રામ્ય પોલીસે ભરતભાઈ પરમારની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top