ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વપરાતી સિસ્ટમમા લાઈવ બસ ટ્રેકિંગની સુવિધા ઉમેરાઈ
રિઝર્વેશન કરાવનાર દરેક મુસાફર બસ ક્યાં પહોંચી તે આ સિસ્ટમ થકી જાણી શકે છે.
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધામાં વધુ એક ઉમેરો કર્યો છે. એસટીની ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વપરાતી સિસ્ટમમા લાઈવ બસ ટ્રેકિંગની સુવિધા ઉમેરવામાં આવી છે. જેથી રિઝર્વેશન કરાવનાર દરેક મુસાફર બસ ક્યાં પહોંચી તે આ સિસ્ટમ થકી જાણી શકે છે.
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એસટી બસ હવે ટેક્નોલોજીના માધ્યમથી હાઈટેક બની છે. બસ ક્યારે આવશે તેની રાહ જોઈને બસ સ્ટેન્ડ પર કલાકો સુધી મુસાફરોને બેસી રહેવું પડતું હતું અને વારંવાર પૂછપરછ કરવા માટે જવું પડતું હતું. પરંતુ હવે એસટીની ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમે મુસાફરોને પડતી મુશ્કેલી દુર કરી છે. શરૂઆતમાં આ સિસ્ટમ માત્ર ટિકિટ બુકિંગ માટે વપરાતી હતી. પરંતુ, હવે તેમાં લાઈવ બસ ટ્રેકિંગની સુવિધા ઉમેરવામાં આવી છે. આ સિસ્ટમથી હવે રિઝર્વેશન કરાવનાર દરેક મુસાફર બસ ક્યાં પહોંચી તે એક ક્લિકથી જાણી શકે છે. ટિકિટ નંબરથી બસનું લોકેશન લાઈવ ટ્રેક કરી શકાય છે. વડોદરાની બસોમાં પણ મોટી સંખ્યામાં મુસાફરો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. ડિવિઝનની તમામ લાંબા અંતરની અને ઈન્ટરસિટી બસમાં જીપીએસ સિસ્ટમ કાર્યરત છે. વડોદરથી અમદાવાદ, સુરત કે સોમનાથ જતી બસનું લોકેશન મુસાફરો લાઈવ ટ્રેક કરી શકે છે. બસનું જીપીએસ સીધું જ નિગમના સેન્ટ્રલ સર્વર અને મુસાફરોની મોબાઈલ એપ સાથે જોડાયેલું રહે છે. આ સિસ્ટમ માત્ર મુસાફરો માટે જ નહીં, પણ નિગમ માટે પણ ફાયદાકારક છે. કંટ્રોલ રૂમ દ્વારા બસની સ્પીડ પર નજર રાખી શકાય છેમ જેનાથી અકસ્માતો ઘટાડી શકાય છે. આ ઉપરાંત, બસ નિર્ધારિત રૂટ પર જ ચાલે છે કે, નહીં તેનું પણ સતત મોનિટરિંગ થાય છે. આજે જ્યારે ખાનગી લક્ઝરી બસ મોંઘા ભાડા વસૂલે છે, ત્યારે એસ.ટી. ઓછા ખર્ચે આધુનિક સુવિધાઓ આપીને સ્માર્ટ ટ્રાન્સપોર્ટનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.