- ઓફિસિયલ પેજ ઉપર રોજેરોજ અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવે છે.
- સાયબર સેલમાં અરજી આપવા છતાં હજુ કોઈ કાર્યવાહી નહિ
વડોદરા જિલ્લા ભાજપાનું ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું હતું. ગત 7 માર્ચના રોજ આ પેજ હેક થયું હતું જેને 15 દિવસ જેટલો સમય વીત્યો છતાં કોઈ કાર્યવાહી ન થતા હજુ પણ આ પેજ ઉપર રોજેરોજ અશ્લીલ વિડીયો મુકાઈ રહ્યા છે.
વડોદરા જિલ્લા ભાજપાનું ફેસબુક પેજ હેકર્સ દ્વારા 7 માર્ચના રોજ હેક કરવામાં આવ્યું હતું અને તેના ઉપર અશ્લીલ પોસ્ટ મુકવામાં આવી રહી હતી. આ અંગેની જાણ જે તે સમયે જિલ્લા પ્રમુખ દ્વારા સાયબર સેલને પણ કરવામાં આવી હતી. જો કે ત્યાર બાદ આ ઘટનાને કોઈએ ગંભીરતાથી લીધી ન હોય તેમ લાગી રહ્યું છે. જેથી 15 દિવસ વીતવા છતાં આ પેજ ઉપર હજુ પણ અશ્લીલ વિડીયો મુકવામાં આવી રહ્યા છે. પેજ ઉપર એક તરફ વડાપ્રધાનના કાર્યક્રમની લાઈવ લિંક મુકવામાં આવી રહી છે તો તેની સાથે અશ્લીલ વિડીયો પણ પોસ્ટ થઇ રહ્યા છે. આ અંગે જિલ્લા ભાજપાના પ્રમુખ દ્વારા 13 માર્ચના રોજ અરજી આપવામાં આવી હતી. જો કે હાલ સુધી તેના ઉપર કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી અથવા તો પેજ પરથી વિડીયો હટે તેવા પણ પગલાં ભરવામાં આવ્યા નથી. હાલમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે સોશ્યલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ થઇ રહ્યો છે જેવામાં આવી પોસ્ટ ભાજપા માટે હાસ્યાસ્પદ બની રહી છે.