કરજણના સ્નેહમિલન સમારોહમાં વિમલ ભટ્ટના ફોટા પર કાપ મૂકાયો
અગાઉના પ્રમુખની લોબીને કાપી હાલની સક્રિય લોબીને વેગ આપવાની ચર્ચા
( પ્રતિનિધી )વડોદરા,તા.1
દિવાળીના તહેવારો બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે, કરજણ ભાજપના લગાવાયેલા સ્નેહ મિલન સમારોહમાં નગર પ્રમુખના ફોટાની બાદબાકી કરવામાં આવતા જૂથબંધી સપાટી પર આવવા પામી હતી. હાલ કરજણ ભાજપમાં એક જૂથની ખાસ લોબિંગ શરૂ થઈ ગઈ હોવાની ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે.
વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ પદે રસિક પ્રજાપતિની નિયુક્તિ બાદ હવે ધીમે ધીમે જૂથબંધી સામે આવી રહી છે. હાલમાં દિવાળીના તહેવારો પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટીમાં નૂતન વર્ષના સ્નેહમિલન સમારોહનો દર શરૂ થયો છે જિલ્લામાં ઠેર ઠેર જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આવા જ એક કાર્યક્રમને સંબંધીત કરજણ ખાતેના નૂતન વર્ષે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શુભેચ્છા આપતા બેનરમાં જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, કરજણ નગરપાલિકા વોર્ડ નંબર 3ના શાસક પક્ષના નેતા નિખિલભાઇ ભટ્ટ અને ધારાસભ્ય અક્ષય પટેલનો ફોટા સાથે ઉલ્લેખ કરાયો છે. જો કે બીજી તરફ આ બેનરને લઈ હવે ભાજપની આંતરિક ખેંચતાણ જોવા મળી છે. કરજણ નગર ભાજપના પ્રમુખ વિમલ ભટ્ટની આ સ્નેહમિલન સમારોહમાં લગાવાયેલા બેનરમાં બાદબાકી કરવામાં આવી છે તેમજ ક્યાંય પણ તેમના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, વિમલ ભટ્ટ પૂર્વ પ્રમુખના નિકટના માનવામાં આવી રહ્યા છે. જેથી એ લોબીને કાપવાની વાત હાલ કરજણ ભાજપના કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે.