વડોદરા મહાનગર પાલિકાની સભામાં આવાસ યોજનામાં ગોટાળા પર ઘમાસાણ
આવાસ યોજનામાં ગોટાળાની ચર્ચા વચ્ચે કમિશનર અરુણ મહેશ બાબુએ જામ્બુઆ મુદ્દે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
વડોદરા મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં સ્મશાનના ખાનગીકરણનો મુદ્દો અને સરકારી આવાસ યોજનાઓનો મુદ્દો મુખ્ય ચર્ચામાં રહ્યો. ખાસ કરીને જામ્બુઆ આવાસ યોજના, હરણી આવાસ યોજના, સયાજીપુરા આવાસ યોજના અને છાણી આવાસ યોજનાઓમાં થયેલા ગોટાળાને લઈને વિરોધ પક્ષના કાઉન્સિલરો દ્વારા ગંભીર સવાલો ઉઠાવાયા. વિરોધ પક્ષે આરોપ લગાવ્યા છે કે, વર્ષ 2010 પછી જેટલી પણ આવાસ યોજનાઓ બની છે તે તમામમાં ગેરરીતિ થઈ છે. મ્યુનિસિપલ કમિશનરે પણ જામ્બુઆ આવાસ યોજના અંગે ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવાની બાહેધરી આપી છે. સત્તા પક્ષના કોર્પોરેટર મનીષ પગારે, મુજ મહુડામાં ચાલતા ડ્રેનેજ રિહેબના કામને લઈને સવાલો ઉઠાવ્યા હતા.
જામ્બુઆ આવાસમાં 7 વર્ષમાં મકાનો જર્જરીત, 12% મેન્ટેનન્સ ફંડનો હિસાબ ગાયબ
કોંગ્રેસ કાઉન્સિલર અમી રાવતે જામ્બુઆ આવાસ યોજનાનો મુદ્દો ઉપાડતા જણાવ્યું કે, વર્ષ 2012માં બનેલા મકાનો 2019 સુધીમાં જ ખરાબ થઈ ગયા. ગત વર્ષે એક વૃદ્ધાનું મોત પોપડા પડવાથી થયું હતું. તેમણે સવાલ કર્યો કે મકાનની ડિઝાઇન કેટલા વર્ષ માટેની હોય છે. અમી રાવતે વધુમાં કહ્યું કે, જામ્બુઆના 90% મકાનોમાં રિનોવેશન થયું નથી. મેન્ટેનન્સ માટે ટેન્ડરની રકમમાંથી 12% અલગ રાખવામાં આવ્યા હતા, પણ એસોસિએશન ન બનતાં આ રકમ ક્યાં છે તે કોર્પોરેશન દ્વારા જાહેર કરાયું નથી. તેમણે માંગ કરી કે ઇજારદાર સામે લોકોના જીવન સાથે ચેડા કરવા બદલ કેસ કરવો જોઈએ. પૂર્વ મેયર નિલેશ પરમારે કહ્યું કે, બેદરકાર કોન્ટ્રાક્ટરોને વડોદરામાં નાનું કામ કરવાની તક પણ ન આપવી જોઈએ. કમિશનર અરુણ મહેશ બાબુએ જવાબ આપતા કહ્યું કે, મકાનો 2012માં બન્યા હતા અને આ મુદ્દે જરૂરી ચર્ચા કરી કાર્યવાહી થશે.
2010 પછીની તમામ આવાસ યોજનાઓમાં ગોટાળાની આક્ષેપ
અમી રાવતે આગળ કહ્યું કે, સયાજીપુરા આવાસમાં પણ એ જ સ્થિતિ છે. 2010 પછીની તમામ આવાસ યોજનાઓમાં સ્પેશિફિકેશન મુજબ કામ થયું નથી. નોટિસ આપીને કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છૂટી શકતું નથી. હરણી આવાસમાં પણ ગોટાળા થયા છે. DPR મુજબ કામગીરી કરાવવાની જવાબદારી અધિકારીઓની છે.
BSUP આવાસમાં ગેરરીતિઓ અને ડ્રેનેજ રિહેબના કામથી સ્થાનિકો પીડિત
સત્તાપક્ષના કાઉન્સિલર મનીષ પગારે પોતાના વિસ્તારની BSUP આવાસ યોજનાનો મુદ્દો ઉપાડ્યો. તેમણે જણાવ્યું કે કેટલાક લોકોએ મકાનો ભાડે આપી દીધાં છે અને બહાર બેસીને 40–50 મકાનોના ભાડા વસૂલે છે. ત્યાં અન્ય એક આવાસ પાસે દારૂ પીવાની અને જુગાર રમવાની ફરિયાદો છે. તેમણે પોતાના વિસ્તારના ડ્રેનેજ રિહેબ કામ અંગે પણ રજૂઆત કરી. કામની ધીમી ગતિને કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ડ્રેનેજ રિહેબના કામમાં મેં GRP વિશે માહિતી માંગી છે પણ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ કામગીરીને પગલે OP રોડ અને મુજ મહુડા રોડ પર ટ્રાફિકની સમસ્યા વધી છે. હયાત લાઇનમાં કામ ચાલુ છે. ચોમાસા દરમિયાન કઈંક વૈકલ્પિક રસ્તો કરવો જોઈએ. હું ત્રણ વાર અધિકારીઓ પાસે ગયો. પણ હજુ સુધી અધિકારીઓએ મને કોઈ જવાન આપ્યો નથી. 2400 રનિંગ મીટરનું કામ છે. 24 કલાક મશીનોનો અવાજ અને 24 કલાક ટ્રાફિકની સમસ્યા રહે છે. સ્થાયી સમિતિના ચેરમેનને પણ રજૂઆત કરી કોઈ જવાબ મળ્યો નથી. બધે રજૂઆત કરી કોઈ જવાબ મળ્યો નથી. હવે આપની પાસે અપેક્ષા છે.
મહાપાલિકાની લીગલ ટીમ નબળી હોવાનો વિપક્ષનો આક્ષેપ
કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ કહ્યું કે, અધિકારીઓના આશીર્વાદથી ઇજારદારો ટેન્ડરની શરતો બદલી લોકોને છેતરે છે. આ ભ્રષ્ટાચાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે સંજયનગર આવાસ યોજનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ઇજારદાર એમવી ઓમનીએ ખરાબ કામ કર્યું છતાં કોર્ટમાંથી કેસ જીતી ગયો. પાલિકાની લીગલ ટીમ મજબૂત કરવાની જરૂર છે. 5 થી 6 માળના મકાન બદલીને 14 માળ કરવામાં આવ્યા. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.
છાણીમાં 850 મકાન ખંડેર, લિફ્ટ પણ ચોરાઈ
અમી રાવતે જણાવ્યું કે, છાણી આવાસમાં 850 મકાન બન્યા પણ આજે ખંડેર બની ગયા છે. મકાનનો હેતુ સિદ્ધ થયો નથી અને કેટલોય સામાન પણ ચોરાઈ ગયા. તમામ PPP યોજનાઓમાં કરોડોનો ભ્રષ્ટાચાર છે, તેથી કમિશનરે તમામ પ્રોજેક્ટની સમીક્ષા કરી જમીન પાલિકા પોતાના કબ્જે લઈ લેવી જોઈએ. કોંગ્રેસ કાઉન્સિલર જહાં ભરવાડે કહ્યું કે, છાણી આવાસમાં આખી લિફ્ટ પણ ચોરાઈ ગઈ છે. પાંચ વર્ષથી રજૂઆત છતાં કાર્યવાહી નથી થઈ. પુષ્પા વાઘેલાએ કમિશનરને કહ્યું કે, તેઓએ ફોન અને લેખિત રજૂઆત કરી છતાં કોઈ જવાબ આપ્યો નથી. અમે લોકોના કામ માટે આવીએ છીએ, અમારા વ્યક્તિગત કામ નથી. સભામાં રજૂઆત દરમિયાન કોંગ્રેસ કાઉન્સિલરોએ માંગ કરી કે તમામ પિપિપિ આવાસ યોજનાઓની સમીક્ષા કરી પાલિકાએ જમીન પાછી લેવી જોઈએ અને ગરીબોને નવા મકાનો આપવા તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.