
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં આવેલા આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસે મગર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ કરાતા સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઈ જવાયો હતો. જેને પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરા શહેરમાં રેસીડેન્સીયલ એરિયામાં વન્ય જીવો આવી જતા હોવાના બનાવો યથાવત રહેવા પામ્યા છે, તેવામાં વધુ એક બેબી મગરનું રહેણાંક વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જાંબુવા ખાતે આવેલા આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસે મગર આવી ગયો હોવાની જાણ સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જેથી ટીમના વોલેન્ટીયર્સ સ્થળ પર પહોંચીને તપાસ કરતા 3 ફૂટનો મગર નજરે પડ્યો હતો. જેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુઅર નીતિનભાઈને સાથે રાખીને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો. હાલમાં વરસાદ નથી તેમ છતાં પણ રહેણાંક વિસ્તારોમાં વન્યજીવો દેખા દઈ રહ્યા છે. ત્યારે, વડોદરા શહેરમાં અનેક એવી સંસ્થાઓ પ્રાણીઓ માટે કાર્યરત છે. જેઓ દ્વારા જે તે વિસ્તારમાંથી આવા વન્યજીવોને રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવવામાં આવી રહ્યો છે.