જાંબુઘોડા:
જાંબુઘોડા તેમજ છોટાઉદેપુરના જંગલોમાં લાખોની સંખ્યામાં સીતાફળના વૃક્ષો આવેલા છે. છોટાઉદેપુરના RFO નિરંજન રાઠવા જણાવે છે કે, સીતાફળના ઝાડ આદિવાસી સમાજ માટે આશિર્વાદ સમાન છે. તેઓ સીતાફળ વેચી જે આવક થાય એનાથી જીવન ગુજરાન ચલાવે છે.

સ્થાનિક ભાષામાં અનુરા તરીકે ઓળખાતા સીતાફળ સંપૂર્ણ ઓર્ગેનિક ફળ હોઇ એની માંગ ખૂબ જ રહેતી હોય છે . જાંબુઘોડા અભ્યારણ્ય વિસ્તાર તેમજ છોટાઉદેપુર ના સીતાફળની અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માંગ હોય છે. જાંબુઘોડાના પોયલી તેમજ જબાણ જંગલ વિસ્તારમાં સૌથી વધુ સીતાફળના વૃક્ષો આવેલા છે, એમ જાંબુઘોડા RFO શૈલેન્દ્રસિંહ રાઉલજી જણાવે છે.

જાણવા મળ્યા મુજબ 13,762 હેક્ટરમાં પથરાયેલ જાંબુઘોડા અભયારણ્ય તેમજ સમૃદ્ધ વન્ય સંપદાથી સંપન્ન છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં કુદરતી રીતે જ ઉગી નીકળતા સીતાફળના વૃક્ષો આ જિલ્લાઓ ના આદિવાસી સમાજ માટે પુરક રોજગારી આપી રહ્યા છે. અનેક ઇમારતી વૃક્ષો, ઔષધિય વનસ્પતિ, ચારોળી સહિત સીતાફળના ઝાડો મોટી સંખ્યામાં જોવા મળે છે.
પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા ઘોઘંબા સહિત હાલોલ તાલુકાના કેટલા ગામોમાં તથા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ અને નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા જંગલોમાં કુદરતી રીતે જ સીતાફળના ઝાડો ઉગી નિકળે છે. જ્યારે સંખેડા પંથકમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સીતાફળની ખેતી થતી હોય છે પોતાની માલિકીના જમીનમાં ઉગતા ઝાડો પરથી માલિક પોતે જ ફળોનું વેચાણ કરે છે જયારે જંગલમાં કે પંચાયતની જમીનમાં રહેલા ઝાડોને ગામની સહિયારી મિલકત ગણવામાં આવે છે.

અહીંના આદિવાસી સમાજના લોકો સવારની પહોરમાં જંગલમાં જઇ સીતાફળનો પાક ઉતારી એક જગ્યા પર એકત્ર કરે છે. જયાં સીતાફળની છટણી કરી ક્રેટ તેમજ બોક્ષમાં પેકીંગ કરી વાહનોમાં લોડ કરવામાં આવે છે. અહીંના સીતાફળ અમદાવાદ, બરોડા, ભરૂચ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોકલવામાં આવે છે.

કુદરતી રીતે જ ઉગી નિકળતા આ ઝાડોના ઉછેર માટે કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. કુદરતી રીતે જ ઉછરતા આ ઝાડો પર થતાં ફળો સંપૂર્ણ ઓર્ગેનિક હોઇ તેની ખૂબ જ માંગ રહેતી હોવાનું જાણકારોનું કહેવું છે. ઓર્ગેનિક હોવાને કારણે આ ફળો ખાવામાં ખૂબ જ મીઠા હોય છે.
સીતાફળના ઝાડના ઔષધિય ગુણોને કારણે પણ અહીંના લોકોમાં તેનું અનેરૂં મહત્વ છે. અહીંના લોકો તેમના જાનવરોને જો કોઇ ઘા વાગે કે ગાંઠ ગુમડું થાય તો સીતાફળના પાન અને બીને વાટી તેનો લેપ કરે છે. માણસને ઘા થાય કે ગોળ ગુમડું થાય તો સીતાફળના કાચા ફળને ઘસીને તેનો લેપ કરે છે.
કોલ ગામના ફુલસિંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, અમે નાના હતા ત્યારથી જોઇએ છીએ કે, અમારા વડીલો સીતાફળને વેચીને આવક મેળવતા હતા. અમે પણ સવારમાં જંગલમાંથી સીતાફળ તોડી લાવી એકત્ર કરીએ છીએ. અહીંથી ગાડી ભરીને ભરૂચ, અમદાવાદ, વડોદરા અને સુરતના માર્કેટમાં જાય છે
વીસ કિલોના રૂા. 400 થી 500 ના ભાવે વેચાતા સીતાફળનો વીસ કિલોની પેટીમાં પેક કરીને વેચાણ કરવામાં આવે છે. એક કુંટુંબ પ્રતિ વ્યક્તિદીઠ એક દિવસમાં રૂા. 2000 સુધીની આવક રળી લે છે. આમ, પંદર દિવસથી માંડી વીસ દિવસ સુધી ચાલતી સીતાફળ હાર્વેસ્ટિંગની સિઝન દરમિયાન એક કુંટુંબ વીસ થી ત્રીસ હજાર રૂપિયાની આવક મેળવે છે.
આમ, જાંબુઘોડા અભયારણ્ય સહિત છોટાઉદેપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં આવેલા આદિવાસી જિલ્લાની પ્રજા રોજગારીના ટાંચા સાધનો વચ્ચે જીવન વ્યાપન કરે છે એવામાં કુદરતની ભેટ સમાન સીતાફળ અહીંના લોકોને આજીવિકા રળી આપવાનું કામ કરી રહ્યા છે