ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે ધુમાડા નીકળતા ડ્રાઈવરની સતર્કતાથી મોટી હોનારત ટળી:
ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
વડોદરા: વ્યસ્ત જાંબુઆ હાઈવે પર આજે સવારના સમયે એક ચાલુ ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. કપાસના જથ્થાથી ભરેલી આ ટ્રકમાં લાગેલી આગને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ કે માલસામાનનું નુકસાન ટળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક ટ્રક કપાસનો જથ્થો ભરીને વાલીયાથી મહેસાણા તરફ જઈ રહી હતી. જ્યારે ટ્રક જાંબુઆ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બેટરીના ભાગેથી ધુમાડા નીકળતા ડ્રાઈવરના ધ્યાને આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજીને ડ્રાઈવરે તુરંત જ ટ્રકને રોડની સાઈડમાં પાર્ક કરી દીધી હતી અને નીચે ઉતરી ગયો હતો.
જોતજોતામાં ટ્રકના વાયરિંગમાં લાગેલી આગ ધીમે-ધીમે વધુ પ્રસરવા લાગી હતી. આ દ્રશ્ય જોઈને હાઈવે પરના અન્ય વાહનચાલકો પણ ગભરાઈ ગયા હતા. ડ્રાઈવરે વિલંબ કર્યા વગર તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ જીઆઈડીસી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવી ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે ટ્રકની અંદર રહેલા કપાસના બીજાનો મોટો જથ્થો બળી જતો બચી ગયો હતો.

ફાયર જવાનોએ કહ્યું હતું કે “જો આગ કપાસના જથ્થા સુધી પહોંચી ગઈ હોત તો આખી ટ્રક સળગીને ખાક થઈ ગઈ હોત અને નુકસાનનો આંકડો મોટો હોત.”
પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે બેટરી પાસે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. હાઈવે પર ભારે અવરજવર વચ્ચે લાગેલી આ આગને કારણે થોડો સમય ટ્રાફિકને પણ અસર પડી હતી, પરંતુ આગ પર કાબૂ મેળવ્યા બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ હતી.