Comments

જળસંકટનો ઊકેલ તો છે અને એ પણ આપણા હાથમાં!

આપણી પૃથ્વી પર પીવાલાયક પાણીના જથ્થાનું પ્રમાણ ઘણું ઓછું છે અને એમાં પણ આપણો દેશ પાણીની તકલીફવાળો દેશ છે. આટલી પ્રાથમિક વિગતો ઊપરાંત એ હકીકત પણ ગયા સપ્તાહે જોઈ કે પાણીના આટલા ઓછા જથ્થા પર શહેરીકરણની વિપરીત અસર થઈ રહી છે. આમ થવાનાં કેટલાંક મુખ્ય કારણો: નૈસર્ગિક રીતે છિદ્રાળુ, પાણી જેમાં ઊતરી જાય એવી જમીનને સ્થાને પાણી ઊતરી ન શકે એવી કોન્ક્રિટ સપાટીઓ બની રહી છે. પરિણામ સ્વરૂપ પાણી ભરાવાની તેમજ તત્કાળ પૂર આવવાનું જોખમ વધે છે.

શહેરી વિસ્તારમાંના પ્રદૂષકો પાણી સાથે ભળે છે. આ ઉપરાંત શહેરીકરણમાં વૃક્ષ તેમજ વનસ્પતિઓનો હટાવવામાં આવે છે, જેને કારણે વનસ્પતિનાં પાંદડામાંથી થતું બાષ્પોત્સર્જન ઘટે છે. વનનાબૂદીને કારણે જમીનનું ધોવાણ થાય છે, જેની સીધી અસર જમીનની જળધારણ ક્ષમતા પર પડે છે. શહેરી વિકાસ યોજનાઓ અંતર્ગત તળાવ તેમજ અન્ય નૈસર્ગિક જળાશયો પુરીને ત્યાં બાંધકામ કરવામાં આવે છે. તળાવ પૂરવામાં ન આવે તો ત્યાં કચરાના ઢગ ઠલવાય છે અને તે સપાટી પરના તેમજ ભૂગર્ભના જળ પર વિપરીત અસર કરે છે.

જળ જાળવણી નિષ્ણાત અને અર્બન પ્લાનર એવા વિશ્વનાથ શ્રીકાન્‍તૈયાએ બેંગ્લોર શહેરના જળ આયોજન વિશે કેટલીક મહત્ત્વની વાત જણાવી છે. પર્યાવરણ જાળવણી માટેના ત્રણ ‘આર’- રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ: તેમણે પાણી માટે પણ લાગુ પાડવાનો અનુરોધ કર્યો છે. છે તો આ સાવ સામાન્ય બાબત પણ તેની પર યોગ્ય ધ્યાન આપવામાં આવે તો જળસંકટને હળવું કરવામાં એ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. સૌ પ્રથમ ત્રણ ‘આર’ માટે શાં પગલાં લેવામાં આવ્યાં એ જાણીએ.
‘રિડ્યુસ’ એટલે કે ઘટાડવું. પાણીનો ઉપયોગ ઘટાડવા માટે બેંગ્લોરમાં તમામ નિવાસી તેમજ વ્યાપારી સંકુલોમાં નળ પર એરેટર ટેપ તરીકે ઓળખાતો સસ્તો, નાનકડો પૂરજો લગાવવાનું ફરજિયાત કરાવાયું. આનો ફાયદો? નળમાંથી પ્રતિ મિનીટે વહેતો બારથી અઢાર લીટર પાણીનો પ્રવાહ ઘટીને પ્રતિ મિનીટે ત્રણથી છ લીટર થઈ ગયો. આને કારણે અડધાઅડધ પાણીનો વેડફાટ સીધો જ ઘટી ગયો-તેના ઉપયોગમાં કશા સમાધાન વિના!

‘રિયુઝ’ એટલે પુનરુપયોગ. મોટા ભાગના ઘરોમાં વપરાશ કર્યા પછી પાણી નકામું વહીને ગટરમાં જતું રહે છે. સાવ જૂજ માત્રામાં હોય એવા આ નૈસર્ગિક સ્રોતનો આ સૌથી મોટો વેડફાટ કહી શકાય. આ પાણીની યોગ્ય ટ્રીટમેન્‍ટ કરવામાં આવે તો તેને ફરી ઉપયોગમાં લઈ શકાય. અલબત્ત, પીવા સિવાયના હેતુઓ માટે. બેંગ્લોરમાં દોઢસોથી વધુ ફ્લેટોમાં સ્યુએજ ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ થકી ટ્રીટ કરાયેલા પાણીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો. ટ્રીટ કરેલું પાણી કોઈ પણ શહેર માટે મહત્ત્વની તક બની રહે છે. જેમ કે, ડિશ વોશર, વોશિંગ મશીન અને શાવરમાં ઉપયોગમાં લેવાતા પાણીને ‘ગ્રે વોટર’ કહે છે. જે તે નિવાસી સંકુલમાં આવેલા ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટમાં આ પાણીને ટ્રીટ કરવામાં આવે તો પીવા સિવાયના હેતુ માટે પાણી સુલભ થઈ શકે.

‘રિસાયકલ’ એટલે સાવ નકામી થઈ ગયેલી ચીજને ફરી કામમાં લેવી. અનેક ઔદ્યોગિક સંકુલમાં રોજેરોજ પાણીના અઢળક જથ્થાની જરૂર પડે છે. વિવિધ એપાર્ટમેન્‍ટ પોતાને ત્યાં ટ્રીટ કરેલું પાણી ઉદ્યોગોને વેચી શકે એવી પરવાનગી આપવામાં આવી છે. આવું ટ્રીટ કરેલું પાણી નદી, તળાવ, ઝરણાં કે આર્દ્ર ભૂમિમાં છોડવામાં આવે તો તેનું સ્તર વધે અને ભૂગર્ભજળમાં પણ વધારો થાય. શહેરની બહારના વિસ્તારના ખેડૂતોને પણ ટ્રીટ કરેલું પાણી પૂરું પાડી શકાય, જેથી ખેડૂતોને પાણીની ચિંતા ન રહે અને બેંગ્લોરના રહેવાસીઓની અન્નની સલામતિ પણ સુનિશ્ચિત બને.

વિશ્વનાથના જણાવ્યા અનુસાર હવે સ્યુએજના નેટવર્કમાં રોકાણ કરવાની જરૂર છે, જેથી ‘ગ્રે વોટર’ના એકે એક ટીપાનો સંગ્રહ કરીને તેને ટ્રીટ કરી શકાય અને ઉપયોગમાં લઈ શકાય. અત્યારના તેમના દાવા અનુસાર બેંગ્લોર હાલ રોજના બસો કરોડ લિટર પ્રતિ દિન પાણીને ટ્રીટ કરતું વિશ્વનું બીજા નંબરનું શહેર છે, જેના થકી પાંચસો જેટલા ખેડૂતો અને 64 હજાર જેટલા ખેડૂતોને એ પહોંચાડવામાં આવે છે. અગિયાર લાખ હેક્ટર જમીન આને કારણે ખેતીલાયક બની રહી છે, જેને કારણે ખેડૂતોને પાણીની તેમજ હવામાનની નિરાંત થઈ છે અને શહેરને અન્નનો પૂરતો પુરવઠો મળવાનું સુનિશ્ચિત થઈ શક્યું છે.
હવે બેંગ્લોરમાં ઊનાળાના મહિનાઓમાં જળાશયોમાં ટ્રીટ કરેલું પાણી પૂરું પાડવામાં આવે છે, જેને કારણે ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવે છે. એપાર્ટમેન્ટ તેમજ અન્ય મોટાં કેન્‍દ્રોમાં જળ સંચયને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હવે બગીચાઓમાં તેમજ અન્ય ખુલ્લાં સ્થાનોમાં પાણીને રિચાર્જ કરવા માટેનાં સ્થાન બનાવવાનું આયોજન છે, જેનો ઉપયોગ જળ સંચય માટે થશે.

અલબત્ત, આયોજન અને અમલની સરખામણીએ વસતિ વધારો અનેકગણો ઝડપી હોય છે. આથી વખતોવખત જળસંકટ ઊભું થવાની શક્યતા નકારી શકાય એમ નથી. આમ છતાં, આ બાબતે નાગરિકોને જાગ્રત કરવામાં આવે, તેમને આ મુદ્દે કેળવવામાં આવે તો સાચી દિશામાં ભરાયેલું એક યોગ્ય કદમ એ બની રહેશે એમાં શંકા નથી. કેવળ બેંગ્લોર જ શા માટે? આ સમસ્યા લગભગ દરેક શહેરોની છે, અને આજે જ્યાં એ નથી ત્યાં કાલે સર્જાવાની જ છે. આ મામલે નાગરિકો જાગૃતિ દાખવે અને તેઓ આગળ આવે એ આદર્શ રસ્તો છે. એ જ રીતે શાસન પણ સુયોગ્ય આયોજન કરીને આગળ વધે તો ધાર્યું કામ કરી શકાય.

અલબત્ત, આપણી રાષ્ટ્રીય આદત અનુસાર આવાં આયોજનો ભ્રષ્ટાચાર માટે એક નવી બારી ખોલી આપે તો પણ નવાઈ નહીં! પક્ષાપક્ષીથી પર રહીને ખરેખરા વિકાસનું આયોજન આપણા દેશમાં થઈ શકે એ વાત સ્વપ્ન સમી ભાસે છે. છતાં આશા રાખી શકાય કે જીવન-મરણનો પ્રશ્ન આવે ત્યારે નાગરિકો એક થઈને એ બાબતે વિચરતા થશે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top