Comments

જળવાયુ પરિવર્તનની વધતી ઘટનાઓ વચ્ચે દુબઈમાં યોજાઇ રહેલી COP28

દુબઈ, સંયુક્ત આરબ અમીરાત (UAE) ખાતે વિશ્વના નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓ વાર્ષિક યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ સમિટ માટે ભેગા થયા છે, જેને કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ અથવા COP28 તરીકે ઓળખવામાં આવે છે. ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ આ માટે દુબઈ રવાના થયા છે. અશ્મિભૂત ઇંધણ અને કાર્બન ઉત્સર્જન પર લગામ લગાવવી એ આ ૧૩-દિવસીય સમિટ, જે ૩૦ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી ચાલવાની છે તેની કાર્યસૂચિમાં ટોચની અગ્રતા ધરાવે છે. વિકાસશીલ દેશો ઔદ્યોગિક રાષ્ટ્રો પાસેથી જળવાયુ પરિવર્તનને અનુકૂલિત કરવામાં મદદ કરવા માટે વધુ યોગદાનની માંગ કરી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય ભંડોળની પણ ચર્ચા થશે. જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસરોને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે ગરીબ દેશોને ટેકો આપવા માટે ગયા વર્ષે મહત્ત્વાકાંક્ષી ભંડોળ માટે ચર્ચા થઈ હતી અને ગયા વર્ષે COP27 પછી વિશ્વના નેતાઓ ફંડ માટે સંમત થયા હતા, પરંતુ કોણ કેટલી ચૂકવણી કરશે તેના પર સર્વસંમતિ સાધી શકાઈ નથી.

સમિટમાં પેરિસ કરાર તરફની પ્રગતિની પણ સમીક્ષા થશે જે કાર્બન ઉત્સર્જનને મર્યાદિત કરવા માટેની સીમાચિહ્ન આંતરરાષ્ટ્રીય સંધિ છે, જે લગભગ આઠ વર્ષ પહેલાં COP21 સમયે હસ્તાક્ષર કરવામાં આવી હતી. યુએઈ એ કરારને બહાલી આપનાર પ્રથમ મધ્ય-પૂર્વીય દેશ હોવા છતાં, એવું રાષ્ટ્ર જેની અર્થવ્યવસ્થા અશ્મિભૂત ઇંધણ સાથે જોડાયેલી છે, ત્યાં શિખર સંમેલનના આયોજનને લઈને વિભાજિત સૂરો પણ ઊઠ્યા છે. કેટલાક દેશો આવી સમિટમાં તેલ અને ગેસ સાથે જોડાયેલા પ્રતિનિધિઓને સામેલ કરવાની પણ ટીકા કરી રહ્યા છે. COP એ ૧૯૯૨માં સ્થપાયેલ યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)ની પ્રાથમિક નિર્ણય લેતી સંસ્થા છે. ૧૯૭ દેશોના પ્રતિનિધિઓ જેમણે UNFCCC પર હસ્તાક્ષર કર્યા છે તેઓ મુખ્યત્વે ચર્ચાઓ અને વાટાઘાટોમાં ભાગ લેશે.

વિનાશક પૂર અને હીટવેવ્સ, જંગલની ભીષણ આગ અને આ વર્ષે રેકોર્ડ પરના પૃથ્વીના સૌથી ગરમ ઉનાળાની પૃષ્ઠભૂમિમાં COP28 યોજાઇ રહી છે. તાજેતરમાં જ યુએનનો અહેવાલ પ્રસિદ્ધ થયો જેમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૨૨માં વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વિક્રમજનક ઊંચું રહ્યું છે. દેશોની વર્તમાન જળવાયુ યોજનાઓના આધારે અહેવાલમાં જણાવાયું છે કે, ૨૦૩૦ સુધીમાં વૈશ્વિક કાર્બન ઉત્સર્જન ૨૦૧૯ના સ્તરની તુલનામાં માત્ર બે ટકા ઘટશે, જે ઔદ્યોગિકીકરણના પહેલાંના સ્તરથી દોઢ ડિગ્રી સેલ્સિયસ સુધી વોર્મિંગને મર્યાદિત કરવાના લક્ષ્યાંક માટે જરૂરી પ્રમાણ કરતાં ૪૩ ટકા ઓછું છે.

મે મહિનામાં વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલમાં પણ જાણવા મળ્યું છે કે વર્તમાન સ્થિતિમાં વિશ્વ ૨૦૨૭ સુધીમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસ લક્ષ્યાંકને હાંસલ નહીં કરી શકે. દર વર્ષે COPનો પ્રાથમિક ઉદ્દેશ UNFCCC શરતો, પેરિસ કરાર અને ક્યોટો પ્રોટોકોલના અમલીકરણની સમીક્ષા કરવાનો હોય છે, જે ઔદ્યોગિક રાષ્ટ્રો માટે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટે ૧૯૯૭માં નક્કી થયેલી બંધનકર્તા સંધિ છે. આ વર્ષે, સભ્ય દેશો તેમના પ્રથમ ગ્લોબલ સ્ટોકટેક (GST) અંગે વાટાઘાટો કરશે જે પેરિસ કરાર તરફ દેશોની પ્રગતિનું વિશ્લેષણ કરતું સ્કોરકાર્ડ છે.

જો કે COP28ની આસપાસ ઘણા વિવાદો પણ છે. ઘણા પર્યાવરણવાદીઓ અને વિશ્લેષકોએ COP28ના પ્રમુખની પસંદગી અંગે ચિંતા વ્યક્ત કરી છે. અબુ ધાબી નેશનલ ઓઈલ કંપનીના સીઈઓ સુલતાન અલ-જાબરને વિશ્વની આબોહવા બદલવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ જે કંપનીના વડા છે તે વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપનીઓમાંની એક છે. UAE વિશ્વનું સાતમું સૌથી મોટું પ્રવાહી બળતણ ઉત્પાદક છે. વર્ષોથી વિશ્વ અશ્મિભૂત ઇંધણને તબક્કાવાર ઘટાડવા સામે ઝઝૂમી રહ્યું છે અને યુક્રેનમાં યુદ્ધ પછી ઊભી થયેલી ઊર્જા અને નાણાંકીય કટોકટીને કારણે કરારના લક્ષ્યાંકને હાંસલ કરવું વધુ પડકારજનક બન્યું છે. આશા રાખીએ આ વર્ષની સમિટ કોઈ નક્કર પરિણામ આપનારી બની રહે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top