ગ્રામીણ સંસ્કૃતિના ઉત્થાન માટે ભેખડિયા (મધ્ય ગુજરાત) અને જામલી (મધ્યપ્રદેશ) ને ભારતના પ્રથમ ‘દિવ્યગ્રામ’ બનાવ્યા
જળક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૮ વર્ષથી રાષ્ટ્રસેવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. ઉદ્યોગ, ઘર અને આરામનો ત્યાગ કરીને ઈશ્વર પ્રેરિત આત્મજ્ઞાનથી તેમણે જળ, ગાય, કૃષિ અને ગ્રામોત્થાન ક્ષેત્રે પાયાની પાંચ યોજનાઓ અને સાત અમૂલ્ય શાસ્ત્રો રાષ્ટ્રને અર્પણ કર્યા છે.

પાયાની પાંચ ક્રાંતિકારી યોજનાઓ અને પરિણામ
મનસુખભાઈએ ચેકડેમ નિર્માણના નવા અને સસ્તા સિદ્ધાંતો દ્વારા ૧૯૯૯થી ૨૦૨૫ સુધીમાં ૩૩૦૦થી વધુ ચેકડેમ-તળાવ અને જળરક્ષાના ૧ લાખ જેટલા કાર્યો સંપન્ન કર્યા છે. ગીર અને કાંકરેજ ગાયોના સંવર્ધન માટે ‘ગોક્રાંતિ’ યોજના અમલમાં મૂકી, જેના ફળસ્વરૂપ ગીર ગાયોની સંખ્યા ૫,૦૦૦થી વધીને ૩ લાખ સુધી પહોંચી છે. તેમણે કિસાન પુત્ર તરીકેના અનુભવોથી ૧૦૦થી વધુ કૃષિપાકોમાં રોગ નિયંત્રણ અને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીના ૨૩ વર્ષના સંશોધનો રજૂ કર્યા છે. આ ઉપરાંત, લુપ્ત થતા ૧૦૦૦ જાતના કૃષિ બીજ અને ૩૦૦૦ જાતના દેશી આંબા બચાવવા માટે ‘આમ્રક્રાંતિ’ અભિયાન ચલાવ્યું છે.

દિવ્યગ્રામ નિર્માણ અને શાસ્ત્ર સર્જન
ગ્રામીણ સંસ્કૃતિના ઉત્થાન માટે ભેખડિયા (ગુજરાત) અને જામલી (મધ્યપ્રદેશ) ને ભારતના પ્રથમ ‘દિવ્યગ્રામ’ બનાવ્યા છે, જ્યાં કૃષિ આવક ૧૦ ગણી વધી છે અને આદિવાસી સમાજ વ્યસનમુક્તિ તરફ વળ્યો છે. માત્ર ૧૧ ધોરણ ભણેલા મનસુખભાઈએ જંગલો અને પહાડોમાં બેસીને ગીર ગાય ગ્રંથ, ગોવેદ અને કૃષિસંહિતા જેવા સાત વિશ્વપ્રેરક શાસ્ત્રો લખ્યા છે, જેની ૯ લાખ નકલોનું વિતરણ થયું છે. ૫૧ લાખ ચેકડેમ-તળાવ અને ૧૦ લાખ ગીર ગાયના લક્ષ્યાંક સાથે ટ્રસ્ટ ‘સુવર્ણભૂમિ ભારત’ ના નિર્માણ માટે કટિબદ્ધ છે.
