Vadodara

જનભાગીદારી સાથે તૈયાર થશે પાલિકાનું બજેટ; 3 ફેબ્રુઆરીએ કમિશનર રજૂ કરશે ડ્રાફ્ટ બજેટ

​સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીની જાહેરાત: ‘પાર્ટિસિપેટરી બજેટ’ના નવા અભિગમ હેઠળ નાગરિકો, NGO અને ધારાસભ્યોના સૂચનોને અગ્રતા અપાશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27ના આગામી નાણાકીય વર્ષ માટેના બજેટની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આગામી 3 ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું રિવાઈઝ બજેટ અને વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરશે. આ વર્ષનું બજેટ ખાસ કરીને ‘જનભાગીદારી’ પર આધારિત હશે, જે વડોદરા પાલિકાનો એક નવતર પ્રયોગ છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ બજેટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વડોદરાના સર્વાંગી વિકાસ માટે આ વખતે જનતાના મંતવ્યોને પાયામાં રાખવામાં આવ્યા છે. ઓનલાઈન માધ્યમથી શહેરના જાગૃત નાગરિકો, રહેણાંક સોસાયટીઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને વિવિધ એનજીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ સૂચનોનું વર્ગીકરણ કરીને જે વિકાસકામો અત્યંત જરૂરી છે, તેને બજેટમાં સ્થાન આપવામાં આવશે.
મેયર પિન્કીબેન સોનીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં વડોદરાના સાંસદ અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં લોકપ્રતિનિધિઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો અને જરૂરિયાતો રજૂ કરી હતી. જેમાં મુખ્યત્વે કામો પર ભાર મુકાયો છે તે
​રોડ-રસ્તા, ડ્રેનેજ લાઈન અને ટ્રાફિક મેનેજમેન્ટ.
​શાક માર્કેટ, લાઈબ્રેરી, અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ.
બાગ-બગીચા, યોગા સેન્ટર અને સિનિયર સિટિઝન પાર્ક.
વડોદરાને વધુ ટકાઉ અને પર્યાવરણલક્ષી બનાવવા માટે ‘ગ્રીન સિટી’ અને ‘સ્માર્ટ સિટી’ના પ્રોજેક્ટ્સને બજેટમાં વધુ વેગ મળે તેવી શક્યતા છે. નાગરિકોની પાયાની સુવિધાઓમાં વધારો કરી તેમના સંતોષના સ્તરને ઊંચે લઈ જવાની દિશામાં પાલિકા વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે. 3 ફેબ્રુઆરીએ કમિશનર દ્વારા રજૂ થનાર બજેટ બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં તેના પર ચર્ચા થશે અને ત્યારબાદ શહેરના વિકાસની નવી બ્લુપ્રિન્ટ સ્પષ્ટ થશે.

શહેરના તમામ નાગરિકો માટેનું બજેટ…
​”અમારો ઉદ્દેશ્ય વડોદરાના તમામ 19 વોર્ડમાં સમાન અને સમાંતર વિકાસ સાધવાનો છે. આ બજેટમાં ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલોની સુવિધાઓને કેન્દ્રમાં રાખવામાં આવશે.”
ડૉ. શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી

Most Popular

To Top