તા.20-3-22ના ‘ગુજરાતમિત્ર’ દૈનિક સમાચારના તંત્રીલેખ શીર્ષક ‘જંગલ આપણી ધરોહર છે તેની જાળવણી જરૂરી’ વાંચી લખવા પ્રેરાયો. તંત્રી લેખમાં જંગલમાં થતા ઔષધિય વૃક્ષોની માહિતી સરસ આપી છે. ડાંગ જિલ્લામાં એવા ઘણા વૃક્ષો છે જેના પર્ણો, છાલ અને મૂળ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે જેમાં બહેડાનું વૃક્ષ ખૂબ જ ઉપયોગી છે. મહુડાનું વૃક્ષ પણ ઉપયોગી છે એના ફળ (ડોળી)માંથી તેલ બને છે જે ખાય શકાય છે. તંત્રીલેખમાં જંગલને સાચવવાની વાત કરી છે તે યથાયોગ્ય છે. આજકાલ જંગલો આછા થઇ રહ્યા છે. પહેલા ગાઢ જંગલો હતા. જંગલોમાં આગ લાગે છે કે આગ લગાડવામાં આવે છે જે હોય તે પણ ઘણા વૃક્ષો બળીને ખાખ થઇ જાય છે. એક વૃક્ષને ઉછેરતા પંદરવીસ વર્ષ લાગે પરંતુ એને બાળી દેવામાં આવે તો પંદર કલાક પણ ન થાય. જંગલ એ પ્રાણીઓ ખાસ કરીને હિંસક પ્રાણી વાઘ, સિંહ, ચિત્તા વગેરેનું ઘર છે. જંગલમાં માણસોનો વસવાટ વધ્યો છે. આથી વૃક્ષો કપાવા માંડયા. ખુલ્લા મેદાનો થવા માંડયા અને હિંસક પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તાર અને શહેર તરફ આવવા લાગ્યા એ હકીકત છે. ડાંગ જિલ્લા તરફ વઘઇ જાઓ તો ત્યાં રેલવે સ્ટેશન તરફ જંગલમાં જુના પુરાણા વૃક્ષો છે જે એક પ્રકારનું સંગીત સંભળાવે છે. એ વૃક્ષના જે ફળ હોય તેની અંદર જ બાજ હોય છે તે પવનની લહેર સાથે ખખડે છે અને તે મધુર સંગીત વગાડી આગંતુકોનું સન્માન કરે છે. વૃક્ષોનું જતન થશે તો જંગલ સચવાશે. જંગલની શોભા ન્યારી છે. જંગલ આબોહવાને સમઘાત કરે છે. આથી જંગલોને આપણે બચાવવા જોઇએ એ નિ:શંક છે.
નવસારી – મહેશ નાયક -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.