રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં ઘણા વિશ્લેષકોની ધારણા હતી તે મુજબ જ સત્તાનું પુનરાવર્તન થવા જઇ રહ્યું છે, આ લખાઇ રહ્યું છે ત્યારે છેવટના પરિણામો આવ્યા નથી પરંતુ આ તમામ છ મહાનગરોમાં ભાજપ જ સત્તા જાળવી રાખે તે સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
મતદારોએ પરિવર્તન નહીં પણ પુનરાવર્તન કરવાનું જ પસંદ કર્યું છે અને ઘણાને આ સ્વાભાવિક લાગ્યું છે. ગુજરાતમાં આમ પણ ભાજપનો પ્રભાવ ઘણો છે. અહીં ભાજપે પોતાની સ્થિતિ દઢ બનાવવા માંડી તે બાબતને ત્રણ દાયકા થવા આવ્યા છે.
વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં તો અહીં બહુમતિ મતદારોનો ઝોક ભાજપ તરફી જ રહેતો આવ્યો છે અને કેટલાક અપવાદો બાદ કરતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભાજપનું જ શાસન રહેતું આવ્યું છે.
પાલિકાઓની ચૂંટણીઓ પર સ્થાનિક મુદ્દાઓનો પ્રભાવ વધારે હોય છે એમ કહેવાય છે અને તે સ્વાભાવિક પણ છે પરંતુ અહીં મતદારોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ કામ કરી જાય છે. કોંગ્રેસને ચૂંટણીઓમાં ઘણું નુકસાન થયું છે, તે વધુ સંકોચાઇ છે અને સુરતમાં તો તેનો ભૂંડો રકાસ થયો છે.
તમામ છ મહાનગરપાલિકાઓમાં ભલે મતદારોએ ભાજપને જ શાસન સોંપવાનો નિર્ણય કર્યો હોય, પરંતુ કેટલાક ચમકારા તો જરૂર બતાવ્યા છે. આમાં સૌથી વધુ નોંધપાત્ર સુરતમાં આમ આદમી પાર્ટી(આપ)નો દેખાવ છે. આ પક્ષને ધારણા કરતા ઘણી વધુ બેઠકો અહીં મળી છે.
ફક્ત ખાતું જ ખોલ્યું નથી પણ તડાફડી બોલાવી દીધી છે એમ કહી શકાય, જો કે આપની આ જવલંત સફળતા પાછળ પાટીદાર પરિબળ સ્પષ્ટ દેખાઇ આવે છે. કેજરીવાલના દિલ્હી મોડેલથી આકર્ષિત થઇને મતદારોએ આપને મતો આપ્યા છે એવું નથી, અને આથી જ કેટલાક વિશ્લેષકો ગુજરાતમાં આપનું આખું સ્વરૂપ જ બદલાઇ નહીં જાય તે બાબતે ચેતવણી ઉચ્ચારી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ ભલે ખુશખુશાલ થઇને સુરતમાં રેલી કરવા આવી રહ્યા હોય પરંતુ તેમણે આ બાબતે સાવધ રહેવું પડશે. નોંધપાત્ર બાબત એ પણ છે કે અસદુદ્દીન ઓવૈસીના એઆઇએમઆઇએમ પક્ષનું ખાતું ગુજરાતમાં ખુલ્યું છે.
આ લખાઇ રહ્યું છે ત્યારે અમદાવાદમાં આ પક્ષને ચાર બેઠકો મળી ગઇ હોવાના અહેવાલ છે તો જામનગરમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી(બસપા)ને ત્રણ બેઠકો મળી તે પણ નોંધપાત્ર છે.
આમ મતદારોએ છ મહાનગરોમાં શાસનનું પુનરાવર્તન કરવાની સાથે નવા ચમકારાં પણ દેખાડ્યાં છે અને ભાજપે પણ આ જોઇને ચેતી જવાની જરૂર છે, તેણે ગુજરાતમાં પોતાના શાસનને અનંત માની લેવાની જરૂર નથી.
હજારો ભારતીયોને અમેરિકાના ગ્રીન કાર્ડ મળવાની જાગેલી આશા
ભારતીયો, અને તેમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતીઓની અમેરિકામાં વસવા માટેની ઘેલછા જાણીતી છે. ઘણા ભારતીયો એવા છે કે જેઓ વર્ષોથી અમેરિકામાં એચ-૧બી જેવા હંગામી વિઝાઓના આધારે વસી રહ્યા છે અને અમેરિકામાં પોતાને કાયમી વસવાટનો હક મળે તેની રાહ જોઇ રહ્યા છે. અગાઉના ટ્રમ્પ પ્રશાસને આવા લોકોની આશાઓ ધૂંધળી બનાવી મૂકી હતી પરંતુ હવે નવા પ્રમુખ બિડેનના પ્રશાસને તેમની આશાઓ ફરી ઉજ્જવળ બનાવી છે.
એક મહત્વનું પગલું જે અમેરિકામાં સેંકડો અને હજારો ભારતીય આઇટી પ્રોફેશનલોને લાભ કરી શકે છે, તેમાં બિડેન વહીવટીતંત્રે એક મહત્વાકાંક્ષી ઇમિગ્રેશન ખરડો કોંગ્રેસમાં રજૂ કર્યો છે જે અન્ય બાબતોની સાથે રોજગાર આધારિત ગ્રીન કાર્ડની ટોચ મર્યાદા નાબૂદ કરવાની પણ દરખાસ્ત મૂકે છે.
યુએસ સિટિઝનશીપી એક્ટ ઓફ ૨૦૨૧ ૧૧૦ લાખ દસ્તાવેજો વગરના કામદારોને નાગરિકતા આપવા માટેનો માર્ગ મોકળો કરવાની દરખાસ્ત મૂકે છે, રોજગાર આધારિત દેશ દીઠ ગ્રીન કાર્ડ માટેનો ક્વોટા રદ કરવાની તથા એચ-૧બી વિઝા ધારકોના આશ્રિતોને કામ કરવાની અધિકૃતતા આપવાની દરખાસ્ત મૂકે છે.
બિકેમેરલ ઇમિગ્રેશન બિલ, જો સંસદના બંને ગૃહોમાં પસાર થશે અને પ્રમુખ જો બિડેનના તેના પર હસ્તાક્ષર થશે તો તે લાખો વિદેશી નાગરિકો માટે અમેરિકાની નાગરિકતા લાવશે જેમાં દસ્તાવેજો વગરના કામદારો અને જેઓ કાયદેસર રીતે અમેરિકા આવ્યા છે તેવા લોકોનો સમાવેશ થાય છે.
આ કાયદો સેંકડો-હજારો ભારતીય આઇટી વ્યવસાયિકો અને તેમના કુટુંબીજનોને પણ લાભ કરશે. જેઓ દસ વર્ષથી ગ્રીન કાર્ડ માટે રાહ જોઇ રહ્યા છે તેઓને આનાથી તત્કાળ કાયમી કાયદેસરનો રહેવાસ અધિકાર મળી જશે કારણ કે તેમને વિઝા ટોચ મર્યાદામાંથી મુક્તિ મળશે.
જે ભારતીય આઇટી પ્રોફેશનલો એક દાયકા કરતા વધુ સમયથી અમેરિકાની નાગરિકતા મળવાની પ્રતિક્ષા કરી રહ્યા છે અને જેમની સંખ્યા હજારોમાં ચાલી રહી છે તેઓને આ ખરડાની જોગવાઇઓથી સૌથી વધુ લાભ થવાની આશા છે. બીજા પણ અનેક ભારતીયો તથા વિશ્વના અન્ય દેશોના આવા લોકોને આ લાભ થવાની આશા જાગી છે.