છોટાઉદેપુર:
ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં અંધશ્રદ્ધાના બનાવો વારંવાર સામે આવતા રહે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના છોટાઉદેપુર શહેરમાં સામે આવી છે, જ્યાં એક ખાનગી હોસ્પિટલમાં દર્દીના મોત બાદ તેના સગા-વ્હાલાઓ મૃતકનો ‘આત્મા’ લેવા માટે ભુવાને બોલાવી હોસ્પિટલ કેમ્પસ બહાર તાંત્રિક વિધિ કરાવતા જોવા મળ્યા હતા.

મળતી માહિતી મુજબ, શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું હતું. દર્દીના નિધન બાદ પરિવારજનો ભુવાને હોસ્પિટલ સુધી લઈને આવ્યા હતા અને હોસ્પિટલના કેમ્પસની બહાર જ પૂજા-વિધિ શરૂ કરવામાં આવી હતી. ભુવો કલાકો સુધી ધૂણતો રહ્યો હતો અને આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.
આ દ્રશ્યો જોઈ સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં પણ ગભરાટ ફેલાયો હતો. હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવી તાંત્રિક વિધિ થતાં સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અંધશ્રદ્ધા જેવી પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવાં જરૂરી છે. નોંધનીય છે કે થોડા મહિનાઓ અગાઉ પણ શહેરની સરકારી હોસ્પિટલ બહાર આવી જ પ્રકારની ઘટના સામે આવી હતી.
આવા બનાવો 5G અને ડિજિટલ યુગમાં પણ સમાજમાં અંધશ્રદ્ધા હજુ જીવંત હોવાની હકીકત દર્શાવે છે. સમાજ સુધારણા અને અંધશ્રદ્ધા નિવારણ માટે સરકાર અને તંત્રની કામગીરી અંગે હવે સ્થાનિક સ્તરે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રિપોર્ટર::સંજય સોની