છોટા ઉદેપુર: છોટાઉદેપુર પંથકમાં હાલ ખાતરની ભારે અછત જોવા મળી રહી છે . છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારમાં રંગપુર ખાતે સવારથીજ ખાતર લેવા માટે લાઇનો જોવા મળી રહી છે. આ લાઇન મંડળીના મકાન થી હાઈવે સુધી લાંબી જણાઈ રહી હતી. શ્રી રંગપુર (ઝોઝ) મોટા કદની ખેતી વિષયક વિવિધ ગામોની સહકારી મંડળી ખાતે આજરોજ સવારે પાંચ વાગ્યાથી ભારે લાઇનો લાગી છે. આ વિસ્તારમાં આ એક જ મંડળી હોય ૪૪ જેટલા ગામોની પ્રજા અહીં ખાતર લેવા આવતી હોય છે. પરતું માંડ માંડ પાંચ સાત દિવસમાં એકાદ બે ગાડી આવતી હોય પ્રજાને ખાલી હાથ જવું પડે છે. માંડ થોડાક ખેડૂતોને ખાતર મળે ત્યાં તો ખાતર ખૂટી જાય છે અને દિવસ આખો બગડ્યા પછી પણ ગ્રામજનોને વિલા મોઢે ખાતર વગર ઘરે જવાનો વારો આવે છે.

સ્થાનિક ગ્રામજનો એ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દરેક સિઝન માં ખાતરની અછત રહેતી હોય છે. હાલ શિયાળુ પાક માટે છેલ્લા ઘણાં દિવસોથી રોજ ધક્કા ખાવા છતાં ખાતર મળતું નથી. મંડળીના સંચાલકો કહે છે કે અમોએ ઉપર માંગણી કરી છે આવશે એટલે આપીશું ના વાયદા કરે છે. શું ઉપર થી ખાતર જ ઓછું આવે છે કે પછી બારોબાર વેચાઈ જાય છે એવી ગ્રામજનોમાં ચર્ચાઓ ચાલી રહી છે. ગ્રામજનો ખાતર સમયસર અને પૂરતું મળે તેવી માંગ કરી રહ્યા છે.
સ્થાનિક આગેવાન પારસિંગ રાઠવા જણાવે છે કે અમારા વિસ્તારના ૪૪ ગામના લોકોને આ મંડળી માંથી ખાતર પૂરું પાડવામાં આવે છે. અને ખાતર સમયાંતરે અને ઓછું આવતું હોવાથી લોકો એ સવારે પાંચ વાગ્યા થી લાઇનમાં લાગવું પડે છે. ને એમાંય સરહદી વિસ્તાર હોવાથી મધ્ય પ્રદેશ ના સરહદી ગામડાના લોકો પણ લેવા આવી જાય છે જેથી અમોને ખાતર પૂરતું મળતું નથી. તંત્ર દ્વારા અમોને સમયસર અને પૂરતું ખાતર મળે તેવી વ્યવસ્થા કરે તે ખુબજ જરૂરી છે.
અહેવાલ : સંજય સોની, છોટાઉદેપુર