પથારા કરી બેસતા તથા લારી ગલ્લા ઉપર ધંધો કરતા ટ્રાફીકમાં નડતર રૂપ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી
છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરમાં દબાણોને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. નગર પાલિકા તંત્ર દબાણો દૂર કરે અને પુનઃ પાછા જૈસે થે તેવી સ્થિતિ થઈ જાય છે. કા તો પાલિકા તંત્રને કોકની શરમ નડતી હોય કે પછી દબાણ કરતા વેપારીઓ પાલિકાને ગાંઠતા નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આજરોજ છોટાઉદેપુર નગરમાં ફરી દબાણો હટાવવા અંગેની કાર્યવાહી પોલીસ કાફલા સાથે શરૂ કરવામાં આવી હતી. જેમાં નગરમાં ઝંડા ચોકથી માણેક ચોક સુધી તેમજ કુસુમ સાગર તળાવની આસપાસ બેઠેલા મરી મસાલા અને શાકભાજી ના વેપારીઓને મુખ્યમાર્ગ ઉપરથી હટાવી જીઇબી કમ્પાઉન્ડમાં વૈકલ્પિક વ્યવસ્થા ના સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર નગરમાંથી ગૌરવ પથ ઉપર ઝંડા ચોકથી માણેક ચોક સુધી જવું હોય તો વાહન ચાલકોને ભારે તકલીફ અને મુશ્કેલીનો સામનો ટ્રાફિકની સમસ્યાઓને કારણે કરવો પડે છે. પથારા કરીને બેસતા વેપારીઓ રોડ સુધી આવી જાય છે અને વાહન ચાલકોને અડચણરૂપ બને છે. જેની ઘણી બધી ફરિયાદો પાલિકા તંત્રને મળતી રહે છે. જે ફરિયાદના કારણે નગર પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા જીઇબી કમ્પાઉન્ડમાં કરવામાં આવી છે. જ્યાં ફરી એકવાર બહાર આવી ગયેલા વેપારીઓને ખસેડવામાં આવ્યા હતા.
આવનારા સમયમાં પણ નગરના વિકાસ અર્થે નડતર રૂપ દબાણો અંગે કડક પગલાં ભરાશે
નગર પાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે આજરોજ નગર પાલિકા ઝંડા ચોક ખાતેથી લઈ માણેક ચોક સુધી ના નડતર રૂપ દબાણો દૂર કરી તે વેપારીઓ ને જીઇબી કેમ્પસમાં ખસેડવામાં આવ્યા છે. આવનારા સમયમાં પણ નગરના વિકાસ અર્થે નડતર રૂપ દબાણો અંગે કડક પગલાં ભરવામાં આવશે. આશા રાખીએ છે કે નગર ના વિકાસ માટે સર્વે વેપારીઓ નગર પાલિકા ને સાથ સહકાર આપશે તેમ જણાવ્યું હતું
અહેવાલ: સંજય સોની, છોટાઉદેપુર