નસવાડી: છોટાઉદેપુર જિલ્લામાં દીપડાના હુમલાની બે ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. નસવાડી તાલુકાના વેલાડી ગામે દીપડાએ ગાય ઉપર હુમલો કર્યો, જ્યારે છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામે દીપડાએ ઘરમાં ઘૂસીને બાળક ઉપર હુમલો કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વેલાડી ગામે છેલ્લા 15 દિવસથી દીપડો વેલાડી ગામની સીમમાં ફરી રહ્યો છે, જેનાથી લોકોમાં ફફડાટ વ્યાપો હતો. દીપડાએ ગાય ઉપર હુમલો કરતા તેનો સારવાર માટે પશુ ચિકિત્સા અધિકારીઓ ટીમે ગામમાં પહોંચીને સારવાર કરી છે.
જ્યારે છોટાઉદેપુર તાલુકાના ના જલોદા ગામે ચાર વર્ષ ના બાળક કિશનભાઇ જસવંત ભાઈ રાઠવા ઉપર ઘરમાં ઘૂસીને દીપડાએ હુમલો કરતા બાળક ને ઈજાઓ થઈ હતી. લોકોએ બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત બાળકને છોટાઉદેપુર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો .છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી અને છોટાઉદેપુર તાલુકામાં દીપડાના હુમલાની ઘટના બનતા લોકો માં ડર ફેલાયો છે. દીપડાઓ માનવભક્ષી બનતા માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. વન વિભાગ નક્કર પ્લાન બનાવી અને દીપડાને પાંજરે પૂરે તે જરૂરી બન્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે દીપડાના ભયથી ખેડૂતો ખેતર માં જતા નથી. વાવણીનો સમય ચાલી રહ્યો છે. તેવામાં દીપડો ફરતો હોવાથી ખેડૂતોને ડર લાગી રહ્યો છે. વનવિભાગ દીપડાને પકડે તે જરૂરી બન્યું છે વનવિભાગ ના કર્મચારીઓ પેટ્રોલિંગ કરે તે પણ જરૂરી બન્યું છે