છોટાઉદેપુરમાં નારી શક્તિનો પરચો
છોટાઉદેપુર માં નડતરરૂપ દબાણોનો સફાયો, નગરપાલિકા કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ સાથે દબાણો દૂર કરવામાં આવ્યા
છોટાઉદેપુર નગરમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે. જ્યારે નગરના વિકાસ માટે અને પ્રજાને નડતરરૂપ દબાણ હટાવવા માટે પાલિકા તંત્ર દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. મહિલા પ્રમુખ મંજુલાબેન રાઠવા અને પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ દ્વારા આ દબાણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓએ કરીને બતાવ્યું છે. જ્યારે ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ કાફલા સાથે છોટાઉદેપુર કાલિકા માતાના મંદિર પાસેથી શાકમાર્કેટ વિસ્તારમાં અને ગૌરવ પથ તથા ઝંડા ચોક વિસ્તારમાં નડતરરૂપ દબાણોને કારણે પ્રજાને અવર-જવરમાં ભારે તકલીફ પડતી હતી, જે 400 ઉપરાંત દબાણો આજરોજ વહેલી સવારે હટાવી દેવામાં આવતા પ્રજા તથા રાહદારીઓમાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરના બજારમાં શાકભાજી તથા મરી મસાલા વેચવા પથારા કરીને તંબુ તાણીને બેસતા તથા અન્ય વેપારીઓ ને કારણે રાહદારીઓને ઘણા વર્ષોથી અવરજવરમાં તકલીફ પડતી હતી મોટા વાહનો પસાર થઈ શકતા ન હતા. જેના કારણે વાહન ચાલકો પરેશાન હતા અને આ દબાણો હટાવવામાં આવે તેવી માંગ કરતા હતા. જેથી આજરોજ નગરપાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકાનો સ્ટાફ અને પોલીસ કાફલા સાથે દબાણો દૂર કરાયા હતા. અને પાલિકા દ્વારા બનાવેલ શાક માર્કેટમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે કોઈપણ વ્યક્તિ બહાર રસ્તા ઉપર દબાણ કરશે કે દુકાન લગાવશે તેના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા જે શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે એ ઉપરાંત પણ નવી પણ જગ્યા ફાળવવામાં આવશે અને કોઈપણ વેપારીને તકલીફ ન પડે તે માટે ની વ્યવસ્થા આવનારા દિવસોમાં કરવામાં આવશે સાથે પ્રજાને આવનારા દિવસોમાં અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે પણ ધ્યાન રાખવામાં આવશે.
બેંકો પાસે પાર્કિંગની સમસ્યા ને કારણે ટ્રાફિક થતો હોય જે પ્રજાને નડતરરૂપ છે. જે બેંકો ઉપર પણ કાર્યવાહી થશે : પ્રમુખ મંજુલાબેન રાઠવા તથા કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન રાઠવા અને અલ્પાબેન શાહે જણાવ્યું હતું કે છોટાઉદેપુર નગરમાં આવતી બેંક ઉપર પાર્કિંગની વ્યવસ્થા ન હોય જેથી આડેધડ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે. જે વાહન ચાલકો માટે ભારે નડતરરૂપ છે આ બાબતે નગરની બેંકો ઉપર પણ કાયદાકીય સલાહ પ્રમાણે કાર્યવાહી કરી નોટિસ બજવવામાં આવશે અને સીલ મારવાની કામગીરી કરવામાં આવશે કોઈપણ સ્નેહ શરમ વગર કાયદાકીય પગલાં ભરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
નગરમાં નડતરરૂપ જેટલા પણ દબાણ હશે તે શેહ શરમ રાખ્યા વગર દૂર કરવામાં આવશે: નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝ મકરાણી

છોટાઉદેપુર નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે નગરમાં જે પણ પ્રજાને નડતરરૂપ દબાણો છે તે દબાણો ટૂંક સમયમાં કોઈ પણ જાતની શરમ વગર હટાવવામાં આવશે મુખ્ય માર્ગો ઉપર થતા દબાણો રાહદારી તથા સ્થાનિક પ્રજાને ભારે તકલીફ રૂપ હોય સાથે નગરના વિકાસ માટે પણ અડચણરૂપ હોય જે બાબતે તાત્કાલિક દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને દબાણ કરતાં ઈસમો ઉપર કડક પગલાં ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું
