Chhotaudepur

છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ

વિજિલન્સની 51 ટીમોના દરોડા, 74 વીજ ચોરી ઝડપાઈ – રૂ.47.68 લાખનો દંડ ફટકારાયો

(પ્રતિનિધિ) , છોટાઉદેપુર

છોટાઉદેપુર નગરમાં આજે વહેલી સવારથી એમજીવીસીએલ (MGVCL) દ્વારા વિશાળ પાયે વીજ ચોરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિજિલન્સની 51 ટીમો, 111 એમજીવીસીએલ કર્મચારીઓ અને 54 પોલીસ જવાનો સાથે સમગ્ર નગરમાં સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના પગલે વીજ ચોરોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, નગરના સ્ટેશન વિસ્તાર, કસ્બા, પારસીગલી, પથીકભુવન, વસેડી, સાબુની ચાલ, અજા પાર્ક, મહુડી ફળિયા, નજરબાગ, પાંજરાપોળ, ઝંડા ફળિયા, ગ્લાસ ફેક્ટરી વિસ્તાર, કવાંટ રોડ, નિઝામી સોસાયટી, નટવરપુરા, વોરા કોલોની સહિતના અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાન દરમિયાન કુલ 1762 જેટલા વીજ મીટરોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 74 મીટરોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. ઝડપાયેલી વીજ ચોરી બદલ એમજીવીસીએલ દ્વારા કુલ રૂ.47 લાખ 68 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કામગીરીમાં 51 ડેપ્યુટી એન્જિનિયરો સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર નગરમાં આગામી દિવસોમાં પણ આકસ્મિક રીતે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને વીજ ચોરી કરતા કનેક્શનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

છોટાઉદેપુર નગર તેમજ આસપાસના વિસ્તારોમાં અગાઉ પણ વિજિલન્સની ટીમો દ્વારા મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં અનેક કનેક્શનો વીજ ચોરીમાં ઝડપાયા હતા અને તેમને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. લોકમુખે ચર્ચા છે કે જો નગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સઘન તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર પોલ-પટ્ટી સહિતની અનેક અનિયમિતતાઓ બહાર આવી શકે છે.

સૂત્રો મુજબ, આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર એમજીવીસીએલ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top