Chhotaudepur

છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ

વર્તમાનપત્રોમાં ખુલ્લી ખાણો જોખમી હોવાના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું

છોટાઉદેપુર:

છોટાઉદેપુર જિલ્લાના ડોલોમાઈટ પથ્થરની ખુલ્લી ખાણો વાહનચાલકો અને ગ્રામજનો માટે જોખમી બનતી હોવાના અહેવાલો વર્તમાનપત્રોમાં પ્રકાશિત થતાં ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં આવેલા ડોલોમાઈટ ખાણો ફરતે તાત્કાલિક સલામતી બોર્ડર/ફેન્સિંગ ઊભી કરવા ખાણ ખનીજ વિભાગે ખાણ માલિકોને આદેશ કર્યો છે.

છોટાઉદેપુરના વનાર–જામલા રોડ તેમજ દડીગામ–દેવહાટ ગામ તરફ ડોલોમાઈટ પથ્થરની અનેક ખાણો આવેલી છે. આ ખાણોમાં હાલ ઘણા સમયથી કામગીરી બંધ છે અને તેમાં પૂરતું પાણી ભરાયેલું છે. ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર માટે ઉપયોગમાં લેવાતા રસ્તાઓની બાજુમાં જ આ ખુલ્લી ખાણો આવેલી હોવા છતાં ત્યાં કોઈ વાડ કે સલામતી બોર્ડર ન હોવાના કારણે અકસ્માત અથવા અનિચ્છનીય ઘટના સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ બાબતે અહેવાલો પ્રસિદ્ધ થતાં તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે.

છોટાઉદેપુર ખાણ ખનીજ કચેરી દ્વારા માઈન્સ ઓનર એસોસિએશનને પાઠવેલી લેખિત સૂચનામાં જણાવાયું છે કે જિલ્લાના રોડની આસપાસ આવેલી ખુલ્લી ડોલોમાઈટ ખાણોના કારણે વાહન અકસ્માત કે અન્ય અનિચ્છનીય ઘટનાઓ સર્જાવાની સંભાવના છે. તેથી ગુજરાત ગૌણ ખનીજ નિયમ, 2017ના નિયમ-18 મુજબ કરારની શરતોનું પાલન કરીને તમામ ખુલ્લી લીઝો ફરતે ફેન્સિંગ ઊભી કરવી ફરજિયાત છે. આ કામગીરી પૂર્ણ કર્યા બાદ 20 દિવસની અંદર આધાર પુરાવા સાથે કચેરીમાં રજૂઆત કરવી પડશે, નહીંતર નિયમો મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ કોઈપણ અકસ્માત કે અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ખાણ માલિકોની રહેશે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ અંગે માઈન્સ ઓનર એસોસિએશનના પ્રમુખ મહંમદ ઇસુબ મલાએ જણાવ્યું હતું કે વર્તમાનપત્રોમાં ડોલોમાઈટ પથ્થરની ખાણો ફરતે સલામતી દિવાલ બનાવવાની જરૂરિયાત અંગે સમાચાર પ્રસિદ્ધ થયા હતા. તે અનુસંધાને ખાણ ખનીજ વિભાગ તરફથી લેખિત સૂચના મળતા ખાણો ફરતે સલામતી બોર્ડર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ચાર માસથી ખાણો બંધ હોવાથી કામગીરી અધૂરી રહી હતી. હવે વિભાગના આદેશ મુજબ કામ ફરી શરૂ કરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી વિસ્તારમાં અકસ્માતોની શક્યતા ઘટશે અને ગ્રામજનો તથા વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top