ઢોલ માંદલ સાથે પરંપરાગત પહેરવેશમાં ગ્રામજનો ઘોડા લેવા પહોંચ્યા
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના ઉખલવાટ ગામે 75 વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઐતિહાસિક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉત્સવ અંતર્ગત આદિવાસી સમાજના લોકો પરંપરાગત ઢોલ-માંદલ સાથે ઝોઝ ગામે દેવોના ઘોડા લેવા પહોંચ્યા હતા. સમગ્ર કાર્યક્રમને લઈને ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો છે.

આદિવાસી બહુલ વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજની પરંપરા મુજબ દેવોની પેઢી બદલવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઉખલવાટ ગામના લોકો દેવોની પેઢી બદલવાના ભાગરૂપે નજીકના ઝોઝ ગામે પરંપરાગત વાજિંત્રો સાથે દેવોના ઘોડા લેવા ગયા હતા.
ગામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાની આગવી સંસ્કૃતિ અનુસાર દેવોના ઘોડાંનું હસ્તાંતરણ કરવામાં આવશે. જે કુંભારને દેવોના ઘોડાં ઘડવાનો ઓર્ડર અપાયો હોય, તેના ઘરે જઈ બળવો ધૂણતો-ધૂણતો દરેક ઘોડાની તપાસ કરે છે. ત્યારબાદ જ ગામના લોકો દેવોના ઘોડાં સ્વીકારે છે.

ગામે આવા રૂડા અવસર નિમિત્તે લાખો રૂપિયાનાં ખર્ચે કરુંડિયા ઇન્દની ઉજવણી સાથે દેવોની પેઢી બદલવામાં આવશે. આ આયોજન અંગે બે મહિના પૂર્વે ગામના સરપંચ પતિ તથા એક્સ આર્મીના આગેવાન રતુભાઈ સહિત ગામના આગેવાનો દ્વારા બેઠક કરી નિર્ણય લેવાયો હતો અને આજે ઉત્સવ ની ઉજવણી કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉખલવાંટ ગામે ધામધૂમ થી શરુ કરવામાં આવેલી ઇન્દની ઉજવણી 28 જાન્યુઆરીએ પરંપરાગત આદિવાસી નાચ-ગાન સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન થશે.
રિપોર્ટર સંજય સોની , છોટાઉદેપુર