વડોદરા : વડોદરા મધ્યસ્થ જેલમાં લાંબા સમયથી ગેરરીતી ચાલી રહી છે. આ ઉપરાંત જેલ અગાઉ પણ કેટલા વિવાદોમાં રહી ચુકી છે. તે દરમિયાન ‘ગુજરાતમિત્ર’એ જેલમાં ચાલતી ગેરરીતીનો વારંવાર પર્દાફાશ કર્યો છે. જોકે તેનાથી જેલના સત્તાધીશોને કોઈ ફરક જ ન પડતો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે જાણવા મળ્યુ હતું કે, જેલના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. પરંતુ તે તપાસ કેટલી હદે થઈ છે કે કેમ ? તેની માહિતી પણ જેલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી નથી. વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ તેમના વચગાળાના જામીન મેળવી એક બાદ એક ફરાર થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં ફક્ત રાવપુરા પોલીસ સ્ટેશનમાં જ 49 ઉપરાંત ફરિયાદો જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયા હોવાની નોંધાઈ હતી. ત્યારે આજરોજ જેલમાં ભરણપોષણના કેસમાં સજા ભોગવતા કુલ 4 કેદીઓ તેમના વચગાળાના જામીન મેળવી ફરાર થયાની ફરિયાદ ત્રણ પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ હતી.
જેમાં વિજય લક્ષ્મણભાઈ ચોઈથાણીની ફરિયાદ વારસીયામાં નોંધાઈ હતી, સોહિલ સલીમ પિત્તળની તથા મુસ્તાક ઈસ્માઈલ બદના બંને વિરૂદ્ધ રાવપુરામાં ફરિયાદ નોંધઈ હતી. તથા અજીજ ઈબ્રાહીમભાઈ મન્સુરીની ફરિયાદ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોધાઈ હતી. જેલનો સુબેદાર સુખા વસાવા આખી જેલનો વહિવટ ચાલાવતો હોવાનું અગાઉ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું. જે સુખા વસાવા પૈસાદાર કેદીઓને મળી તેઓને સુવીધા અપાવવાનું કામ કરે છે? અને એ સાથે કેદીઓ પાસે તેઓની સુવિધા પ્રમાણે પેકેજ નક્કી કરવામાં આવે છે? આ ઉપરાંત તાજેતરમાં સુખા વસાવાની કારને ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટે તેના ઓળખીતા ગેરેજવાળા મારફતે સર્વીસ કરાવી આપી હતી ? જે સાથે રાજુ ભટ્ટનું પણ સુવિધા માટે પેકેજ નક્કી થયુ હતું? ત્યારે આ મુદ્દે જેલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણા અન્ય મોટા ખુલાસા પણ થઈ શકે છે.
જડતી સ્કોર્ડના કેટલાક કર્મીઓ ગેરરીતીમાં સામેલ?
જેલમાં જડતી સ્કોર્ડના દિનેશ માજીર તથા ઠાકોર નામનો વ્યક્તિ જ્યારે જડતી કરી કોઈ ફોન પકડી છે. તે ફોનને તેઓ અન્ય કેદીને રૂ.10 થી 15 હજારમાં વેચી નાખે છે? તેવી માહિતી બહાર આવી હતી. એ સાથે તેઓએ ઉચ્ચ અધિકારી દ્વારા જ કેટલાક કેદીઓના ફોન પકડવા આદેશ આપવામાં આવે છે? તેવુ પણ જાણવા મળ્યુ હતું. જોકે આ મુદ્દાઓ પર પણ તપાસ થવી જોઈએ પરંતુ જેલના સત્તાધીશો દ્વારા આ મામલે આંખ આડા કાન કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ત્યારે જેલના Dysp વી.આર.પટેલનો સંપર્ક કરતા તે થઈ શક્યો ન હતો. જોકે તપાસનો દોર ક્યા સુધી પહોચ્યો તે અકબંધ છે.
પર્દાફાશ થતા સત્તાધીશોના આંખ આડા કાન?
એક બાદ એક ‘ગુજરાતમિત્ર’એ તેના અહેવાલ જાહેર કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ચાલતી ગેરરીતીનો પર્દાફાશ કરતા જેલના ઉચ્ચ અધિકારીઓ ઊંઘમાંથી ઉઠ્યા હતા? અને તેઓએ તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યુ હતું. પરંતુ તે તપાસ કેટલી હદે થઈ છે કે કેમ? અથવા તપાસ કરી પણ હતી? તેની માહિતી બહાર પાડવામા જાણે તેઓ ખચકાટ અનુભવી રહ્યા હોવાનું લાગી રહ્યુ છે? ત્યારે બીજી બાજુ એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે, તે તપાસમાં કેટલાક અધિકારીઓ પણ સામેલ હોય અને તેઓનું નામ બહાર ન આવી જાય તથા જેલની છબી વધુ ન ખરડાય તેના કારણે જેલ સત્તાધીશો ગેરરીતી સામે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.