Vadodara

છાણી TP-13 પાસે હિટ એન્ડ રન, કારની અડફેટે બાઈક સવાર યુવક ફંગોળાયો

​શહેરના છાણી વિસ્તારમાં સ્પીડ બ્રેકર પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારી; અકસ્માત સર્જી કાર ચાલક ફરાર, ફતેગંજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

વડોદરા: શહેરમાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના છાણી ટીપી-13 વિસ્તાર પાસે એક બેફામ ગતિએ આવતી કારના ચાલકે બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા યુવક રોડ પર ફંગોળાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત છાણી ટીપી-13 પાસેના માર્ગ પર સર્જાયો હતો. બાઈક સવાર યુવક જ્યારે સ્પીડ બ્રેકર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતી એક કારના ચાલકે તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક બાઈક પરથી ફંગોળાઈને જમીન પર પટકાયો હતો.
ઘટનાની જાણ થતા જ ફતેગંજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કાર ચાલક અકસ્માત બાદ પોતાની ગાડી લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે હાલ આ મામલે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો ભોગ બનેલો યુવક કોણ હતો, તે ક્યાંથી આવતો હતો અને ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને ફરાર કાર ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શહેરમાં સતત વધી રહેલા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top