મોટરસાયકલ સવાર યુવકે મુક્કો મારતાં ગાડીનો કાચ તૂટ્યો હતો જ્યારે ફોર વ્હીલર ચાલકે કારમાંથી લાકડી કાઢી ટુ વ્હીલર ચાલકને કપાળ અને પીઠના ભાગે માર મારતાં ઇજા
(પ્રતિનિધિ) વડોદરા તા. 15
છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે કુલી નું કામ કરતો યુવક પોતાના ફોઇના દીકરા સાથે નાસ્તો લઇ પરત મોટરસાયકલ પર જતા હતા તે દરમિયાન એક ફોર વ્હીલર ચાલકે ટક્કર મારતાં મોટરસાયકલ સવાર બે નીચે પટકાયા હતા જેમાં મોટરસાયકલ સવારે ફોર વ્હીલર ના કાચ પર મૂક્કો મારતાં કાચ તૂટી ગયો હતો જ્યારે ફોર વ્હીલર ચાલકે ગાડીમાંથી લાકડી કાઢી મોટરસાયકલ ચાલકને કપાળના ભાગે તથા પીઠમાં માર મારતાં સમગ્ર મામલે છાણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના બાજવા ગામના કિસ્મતનગર ખાતે નાગેશ્વર દયારામ ચાવડા પોતાના કુટુંબ પરિવાર સાથે રહે છે અને છેલ્લા બારેક વર્ષથી છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે કુલી નું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.નાગેશ્વર ગત તા.14 મી માર્ચે પોતાના ફોઇના દીકરા જીવણ રમેશભાઇ રાવળ સાથે પોતાની મોટરસાયકલ લઈને બાજવા થી છાણી ગામ નાસ્તો લઇ પરત બાજવા જતાં હતાં તે દરમિયાન છાણી બસસ્ટેન્ડ નજીકના બગીચા પાસે એક ફોર વ્હીલર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-પી એન -6053 ના ચાલકે પૂરઝડપે ગાડી હંકારી નાગેશ્વરની મોટરસાયકલ ને પાછળથી જોરદાર ટક્કર મારતાં નાગેશ્વર તથા તેમના ફોઇનો દીકરો જીવણ રોડની સાઈડમાં નીચે પટકાયા હતા જેથી જીવણ રાવળે ઉભા થઇ ફોર વ્હીલર ના આગળના કાચ પર મુક્કો મારતાં ગાડીનો કાચ તૂટ્યો હતો જેથી ફોર વ્હીલર ચાલકે ગાડીમાંથી નીચે ઉતરી અપશબ્દો બોલી મારામારી કરવા લાગ્યો હતો આ દરમિયાન ફોર વ્હીલર ચાલકે ગાડીમાંથી લાકડી કાઢી નાગેશ્વરને કપાળના ભાગે અને પીઠના ભાગે ફટકારી દીધી હતી તે સમયે જીવણ રાવળે પોલીસને બોલાવી હતી અને નાગેશ્વરને વધુ મારથી બચાવ્યો હતો જે દરમિયાન પોલીસ આવી જતાં ફોર વ્હીલર ચાલક, નાગેશ્વર અને જીવણને છાણી પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી જ્યાં નાગેશ્વરે ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
