છાણી પ્રવેશદ્વારથી જકાતનાકા સુધીના માર્ગના વિકાસમાં ટેન્ડર મુજબના કાર્યમાં ફેરફાર થવાને કારણે ખર્ચમાં વધારો થયો
વડોદરા: છાણી પ્રવેશદ્વારથી છાણી જકાતનાકા સર્કલ સુધીના માર્ગને ગૌરવપથ તરીકે વિકસાવવાનું કામ ચાલુ છે. આ કામ માટે રૂ. ૨૦.૬૧ કરોડની અંદાજીત રકમ મુજબ મંજુરી આપવામાં આવી હતી, અને ટેન્ડર પ્રક્રિયા બાદ મેઇન કોન્ટ્રાક્ટર તરીકે સૌરભ બિલ્ડર્સની પસંદગી કરવામાં આવી હતી. તેમના દ્વારા રૂ. ૨૧.૪૦ કરોડના ટેન્ડર રેટ પર કામ મંજૂર થયું હતું, જે મૂળ અંદાજથી ૨૯% વધુ હતું. આ કામ માટે તા. ૧૯-૧૨-૨૦૨૩ના રોજ ૨૨૫ દિવસની મુદત સાથે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં છાણી જકાતનાકા સર્કલથી નર્મદા કેનાલ સુધીના માર્ગ પર સર્વિસ ટ્રેક અને ફૂટપાથ જેવા કામો પુરા કરવામાં આવ્યા હતા.
પરંતુ, નવા પરિપત્ર મુજબ તમામ ફૂટપાથની પહોળાઈ ૧.૨૦ મીટર રાખવાનો નિર્ણય લેવામાં આવતા સ્થળ પરના ડિઝાઇન અને સ્પેસિફિકેશનમાં ફેરફાર કરવો પડ્યો. જેના પરિણામે સર્વિસ ટ્રેકના સ્થાને હવે પેવરબ્લોકના બદલે કાચો-પાકો, કાર્પેટ, એસી/બીસી, લીકવીડ સીલકોટ અને વરસાદી ગટર સહિતના કામ કરવા જરૂરી બન્યા હતા. આ બદલાવના પગલે કુલ ખર્ચ રૂ. ૨૩.૬૩ કરોડ થવાનો અંદાજ છે, જે મંજુર ભાવપત્ર કરતાં રૂ. ૨.૨૩ કરોડ વધુ છે. તેથી, આ વધારાની રકમ માટે હાલ સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સે આ વધારાની કામગીરી માટે તા. ૧૬-૦૧-૨૦૨૫ના પત્ર દ્વારા સંમતિ આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં ૧માં ગૌરવપથ રોડ માટે ૨૦ કરોડના ખર્ચે હાલમાં કામ ચાલી રહ્યું છે, આ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાથી કામ બરાબર થતું નથી અને તેનું સુપરવિઝન પણ કરવામાં આવતું નથી તેવા આક્ષેપો પણ અગાઉ ઇજારદાર સૌરભ બિલ્ડર્સ પર કરવામાં આવ્યા હતા.
