ચેપીરોગના હોસ્પિટલના ઓપીડીમા દરરોજના સો જેવા કેસો જ્યારે આજે ઇન્ડોર પેશન્ટની સંખ્યા 45 જેટલી નોંધાઇ,કોલેરા, ટાઇફોઇડના દર્દીઓ વધ્યાં
પાણીજન્ય રોગચાળાથી બચવા ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થાય તથા બહારની ખાણીપીણી ટાળવા તબિબોની લોક અપિલ
હાલમા ચોમાસાની ઋતુ શરૂ થઇ ચૂકી છે જો કે, વડોદરામાં હજી મેઘરાજાની વિધિવત એન્ટ્રી થઇ નથી, છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી અસહ્ય ઉકળાટનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે. શહેરમાં તંત્રની પ્રિમોન્સુનની વેઠ ઉતારતી કામગીરીને કારણે વરસાદી ઝાપટાં દરમિયાન કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરમાં ઘણાં વિસ્તારોમાં તો કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદકામ કરીને પૂરાણ કરવામાં આવ્યા નથી જેના કારણે શહેરમાં એકાદ બે વરસાદી ઝાપટાં દરમિયાન કેટલાય સ્થળોએ પાણી ભરાઇ ગયાં છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણીની લાઇનોની કામગીરી તથા લિકેજથી લોકોને ગંદુ પાણી મળી રહ્યું છે સાથે સાથે પાલિકા તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે શહેરને પાણી પૂરું પાડતી ટાંકીઓને સ્વચ્છ કરવાની હોય છે તે કરાઇ નથી અથવાતો યોગ્ય રીતે સફાઇ ન કરાતાં પાણી ગંદુ આવે છે. બીજી તરફ શહેરીજનોમાં બહારની ખાણીપીણી નો ક્રેઝ પણ વધુ છે જેના કારણે હવે ચોમાસાની શરુઆતમાં જ કોલેરા ટાઇફોઇડ સહિતના પાણીજન્ય રોગચાળો વકરતા શહેરમાં દર્દીઓથી દવાખાનાઓ ઉભરાઇ રહ્યાં છે. શહેરના કારેલીબાગ સ્થિત ચેપીરોગના હોસ્પિટલમાં દરરોજના સો થી વધુ ઓપીડી દર્દીઓને તપાસવામાં આવે છે સાથે જ અહીં 50 બેડની ક્ષમતા સામે હાલમાં કોલેરા, ટાઇફોઇડ ના 45 થી 47 દર્દીઓની સંખ્યા છે.શહેરમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જોવા મળી રહી છે. શહેરના કારેલીબાગ ચેપીરોગના દવાખાને ઇન્ડોર દર્દીઓની સંખ્યા 45ઉપરાંત જોવા મળી હતી જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી,કોલેરા, ટાઇફોઇડ અને વાયરલના કેસો જોવા મળી રહ્યાં છે. ત્યારે ચેપીરોગ હોસ્પિટલના આર.એમ.ઓ.ડો.પ્રિતેશ શાહના જણાવ્યા અનુસાર હાલ વર્ષાત્રૃતુની શરુઆતમાં ઝાડા ઉલટી,કોલેરા, ટાઇફોઇડના કેસોથી બચવા માટે લોકોએ પોતાના રહેણાંક વિસ્તારની આસપાસ વરસાદી પાણી ન ભરાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ પાણી ઉકાળીને ઠંડુ કરી પીવું જોઈએ સાથે જ બહારની ખાણીપીણી, વાસી ખોરાક, બહાર બજારમાં મળતા પાણીપુરી,ઠંડા પીણાં,લસ્સી, બરફ, શેરડીનો રસ, બરફ અને બરફના ગોળા, આઇશડીસ, મેંદાની ચીજવસ્તુઓ ટાળવી જોઇએ. હાલમાં શહેરની ખાનગી તથા સરકારી, ચેપીરોગની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ દર્દીઓ ની સંખ્યા જોવા મળી રહી છે