Panchmahal

ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ માટે ખાસ ટ્રાફિક નિયમન જાહેર

ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખી વાહન પ્રતિબંધ, ડાયવર્ઝન અને પાર્કિંગ અંગે કડક સૂચનાઓ
પાવાગઢ: ચૈત્રી નવરાત્રી પર્વ દરમિયાન પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોની ભારે સંખ્યામાં અવરજવર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને જનસુરક્ષા માટે વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ પાવાગઢ તળેટીથી માંચી સુધીના માર્ગ પર તમામ પ્રકારના ભારે અને હળવા વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, ઢીકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પણ ભારે વાહનોને પાવાગઢમાં પ્રવેશ આપવામાં નહીં આવે. બોડેલી-હાલોલ માર્ગે જતા વાહનોને બાયપાસનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
પાર્કિંગ વ્યવસ્થા હેઠળ કોઈપણ ખાનગી વાહન માંચી એસ.ટી. સ્ટેન્ડ અથવા ચોક વિસ્તારમાં પાર્ક કરી શકાશે નહીં. દર્શનાર્થીઓ માટે ‘વડા તળાવ ચોકડી’થી જ વાહન પ્રવેશ મંજૂર રહેશે. માલસામાન અને પશુઓ દ્વારા સામાન વહન કરવા પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
પદયાત્રીઓ માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં મંદિર ખુલતા પહેલા એક કલાક અને બંધ થયા બાદ માંચીથી ડુંગર તરફ જવા પર પ્રતિબંધ રહેશે.
જાહેરનામામાં જરૂરી સેવાઓ જેમ કે એસ.ટી. બસ, આરોગ્ય વાહનો, પાણીના ટેન્કર વગેરેને છૂટછાટ આપવામાં આવી છે. આ નિયમો ૨ એપ્રિલ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર, : રાજેન્દ્ર પંડ્યા

Most Popular

To Top