Vadodara

ચેન સ્નેચિંગ ગેંગની નવી તરકીબ, સ્વિગીનો યુનિફોર્મ પહેરી વૃદ્ધના ગળામાંથી ચેન તોડી ગઠિયો ફરાર

:
વડોદરા, તા. ૩
નવા વર્ષના પ્રારંભ સાથે વડોદરા શહેરમાં ચેન સ્નેચિંગ કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે, પરંતુ આ વખતે ગઠિયાઓએ લોકોનો વિશ્વાસ જીતવા નવી અને ચિંતાજનક તરકીબ અપનાવી છે. ચેન તોડનાર શખ્સો હવે ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીના યુનિફોર્મ પહેરીને લોકોને નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના વડોદરાના અકોટા વિસ્તારમાં સામે આવી છે, જેમાં સ્વિગી ડિલિવરી બોયના વેશમાં આવેલો ગઠિયો વૃદ્ધના ગળામાંથી સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો.
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ જયરામભાઈ પટેલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમનો પુત્ર વિયેતનામ ફરવા ગયો હોવાથી તે સમયે ઘરે હસમુખભાઈ, તેમની પત્ની અને પુત્રવધૂ જાગૃતીબેન હતા. જાગૃતીબેન અંકલેશ્વર નગરપાલિકામાં નોકરી કરતા હોવાથી ૨ જાન્યુઆરીના રોજ ફરજ પર ગયા હતા.
સાંજના લગભગ ચાર વાગ્યાની આસપાસ એક શખ્સ કેસરી રંગની સ્વિગી ટી-શર્ટ પહેરી એક્ટીવા લઈને તેમના ઘર પાસે આવ્યો હતો. તેણે “તમારું પાર્સલ આવ્યું છે” કહી વૃદ્ધને બહાર બોલાવ્યા હતા. વૃદ્ધે પાર્સલ મંગાવ્યું નથી એવું જણાવ્યું છતાં ગઠિયાએ નાનું પાર્સલ આપીને સહી કરવા કહ્યું. વૃદ્ધ પાર્સલ લેવા આગળ વધ્યા તે પહેલાં જ ગઠિયાએ તેમના ગળામાંથી અંદાજે રૂ. ૬૦ હજારની સોનાની ચેન તોડી લીધી અને એક્ટીવા લઈને રફૂચક્કર થઈ ગયો હતો.
આ બનાવ બાદ વૃદ્ધે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય સાધનોના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. શહેરમાં સ્વિગી કે અન્ય ડિલિવરી યુનિફોર્મ પહેરીને ઠગાઈ અને ચેન સ્નેચિંગની ઘટનાઓ વધતી જઈ રહી હોવાનું પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું છે. પોલીસે નાગરિકોને અજાણ્યા ડિલિવરી બોય સામે સતર્ક રહેવા અને કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં તરત પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

Most Popular

To Top