Vadodara

ચેતક બ્રિજ નજીકના દબાણો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં અડચણરૂપ

તાજેતરમાં મળેલી વિશ્વામિત્રી પ્રોજેક્ટની રિવ્યૂ બેઠકમાં નદી પરના દબાણોનો મુદ્દો ઉઠ્યો

વિશ્વામિત્રી પનદીના પટ પર નડતરરૂપ દબાણો તાકીદે દૂર થાય તો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વેગ આવી શકે એમ છે

વડોદરા શહેરમાં આગામી ચોમાસામાં સંભવિત પૂરની સ્થિતિમાં રાહત મળી રહે તે માટે પાલિકા દ્વારા હાલ વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ પ્રગતિ પર છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં હાલ અલગ અલગ જગાએ નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અંગે તાજેતરમાં પાલિકાની વડી કચેરીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીને લઈને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નદી પર અલગ અલગ જગાએ નડતરરૂપ દબાણોનો મુદ્દો પણ ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે શહેરમાં પૂર આવ્યા બાદ પાલીકા દ્વારા વિવિધ દબાણો દૂર કરવા નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ આ નોટિસો પૈકી માત્ર કેટલાક જ દબાણો દૂર થયા હતા. ત્યારે ફરી એકવાર દબાણોનો મુદ્દો તાજેતરમાં મળેલી વિશ્વામિત્રી પ્રોજેક્ટની રિવ્યૂ બેઠકમાં ઉઠ્યો હતો. જેમાં ચેતક બ્રિજ, સયાજી હોટલ સહિતના નડતરરૂપ દબાણો અંગે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં વાત થયા મુજબ આ દબાણો હાલ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નડતરરૂપ થઈ રહ્યા છે અને કામગીરીમાં અડચણ ઉભી કરી રહ્યા છે. જો આ દબાણો મામલે કોઈ યોગ્ય નિર્ણય તાત્કાલિક લેવામાં આવે તો કામગીરીમાં પણ વેગ આવી શકે એમ છે અને આગમી ચોમાસામાં સંભવિત પૂરની સ્થિતિમાં વહન ક્ષમતામાં પણ વધારો થઈ શકે એમ છે. વધુમાં ચેતક બ્રિજ પાસે બનાવી દેવાયેલી દિવાલ સહિત અન્ય નડતરરૂપ દબાણો મામલે પણ ચર્ચા થઈ હતી. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ દબાણોને કારણે કેટલીક જગ્યાએ કામગીરીમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. જો આ દબાણો દૂર થાય તો કામગીરી કરવામાં સરળતા રહે એમ છે અને પ્રોજેક્ટની બાકી કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે એમ છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટની શહેરમાં હાલ ચાર ભાગમાં કામગીરી પ્રગતિ પર છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પાલિકા કમર કસી રહી છે. આ કામગીરી અંગે પાલિકાની વડી કચેરી ખાતે અવાર નવાર રિવ્યૂ બેઠક મળતી હોય છે. જેમાં કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને ચર્ચાઓ થતી હોય છે. તાજેતરમાં મળેલી બેઠકમાં પર્યાવરણવિદો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ચેતક બ્રિજ સહિતના વિસ્તારોમાં નડતરરૂપ દબાણો અંગેનો મુદ્દો પણ ઉઠ્યો હતો. ગતવર્ષે પાલિકા વિશ્વામિત્રી પર દબાણોને લઈને દસ જેટલા દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે આ કામગીરીમાં નડતરરૂપ દબાણો દૂર થાય તો કામ કરવામાં ઝડપ આવી શકે એમ છે.

Most Popular

To Top