આવક, જાતિ અને રેશનકાર્ડના દાખલાઓ માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે
પગાર બાકી રહેતાં કરાર આધારિત કર્મચારીઓ હડતાળ પર
ડભોઇ: ડભોઈમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને સાથે નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાં આવકના દાખલા, રેશનકાર્ડ તેમજ જાતિના દાખલા જેવી અગત્યની કામગીરી સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ છે. સેવા સદનના જનસેવા કેન્દ્રની કામગીરી બંધ થતાં શહેર અને તાલુકાના લોકો સરકારી કામ માટે વારંવાર ચક્કર લગાવવા મજબૂર બન્યા છે. જનસેવા કેન્દ્રને સેવા સદનનો “આત્મા” માનવામાં આવે છે, પરંતુ તેની કામગીરી બંધ થતાં સમગ્ર તંત્ર અસરગ્રસ્ત બન્યું છે.
મામલતદારને રજૂઆત છતાં ઉકેલ નહીં, તાત્કાલિક પગલાંની માંગ ઉઠી
જનસેવા કેન્દ્રના કરાર આધારિત કર્મચારીઓએ પગાર મુદ્દે ગત માર્ચ મહિનામાં મામલતદારને અરજી આપી હતી, પરંતુ સમયસર કોઈ નિકાલ ન થતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મામલતદારે સંબંધિત એજન્સી પાસે કર્મચારીઓના બાકી પગાર તાત્કાલિક ચૂકવી સમસ્યાનો ઝડપી ઉકેલ લાવે તેવી માંગ ઉઠી રહી છે.
રિપોર્ટર: દીપક જોશી