Business

ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે વડા પ્રધાન મોદી તેમના ઘરે કેમ ગયા?

ભારતના ચીફ જસ્ટિસ અને ભારતના વડા પ્રધાન એ ભારતની લોકશાહીના બે મજબૂત સ્થંભો ગણાય છે. ભારતના ચીફ જસ્ટિસ અને ભારતના વડા પ્રધાન વચ્ચે ૩૬ નો આંકડો હોય તે ભારતની લોકશાહીની તંદુરસ્તી માટે ઉપકારક હકીકત ગણાય; કારણ કે જો દેશના વડા પ્રધાન કે તેમની સરકાર પ્રજાની સ્વતંત્રતા ઉપર તરાપ મારે તો તેમાંથી પ્રજાને ઉગારવાની તાકાત માત્ર દેશના ચીફ જસ્ટિસમાં હોય છે. તેથી વિરુદ્ધ જો દેશના ચીફ જસ્ટિસ વડા પ્રધાન સાથે મધુર સંબંધો બાંધે અને હળીમળીને રહે તો સમજી લેવું કે દેશમાં લોકશાહી ખતરામાં છે. જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચૂડે દેશના ચીફ જસ્ટિસ તરીકે સોગંદ લીધા ત્યારે તેમની છાપ મોદીવિરોધી તરીકેની હતી.

મોદીના વિરોધીઓ માનતા હતા કે તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક એવા ચુકાદાઓ આપશે, જેને કારણે મોદી સરકાર સંકટમાં મૂકાઈ જશે. હવે તા. ૧૦ નવેમ્બરે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ રિટાયર થઈ રહ્યા છે ત્યારે તેમનો કાર્યકાળ મોદી સરકાર માટે નિષ્કંટક સાબિત થઈ રહ્યો છે. વર્તમાન ચીફ જસ્ટિસના કાર્યકાળ દરમિયાન ઘણી એવી તકો આવી હતી કે જ્યારે તેઓ સરકારની વિરુદ્ધમાં ચુકાદાઓ આપીને સરકારને મુસીબતમાં મૂકી શકે તેમ હતા; પણ તેમણે મોદી સરકારને આરામથી તેની કામગીરી બજાવવા દીધી હતી. કદાચ તેનો આભાર વ્યક્ત કરવા ગણપતિ બાપાના દર્શન કરવાને બહાને મોદી તાજેતરમાં ચીફ જસ્ટિસના ઘરે પગલાં કરી આવ્યા છે.

વડા પ્રધાન મોદી તેમના કાર્યકાળ દરમિયાન પહેલી વાર ચીફ જસ્ટિસ ચંદ્રચૂડના ઘરે ગયા અને તેમણે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી તેનો પણ વિવાદ શરૂ થયો છે. આ નિમિત્તે ઘણા મહત્ત્વના લોકો ભારતના બંધારણમાં કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્રની અલગતા અને સ્વતંત્રતા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું છે કે મુખ્ય ન્યાયાધીશ દ્વારા વડા પ્રધાનને આમંત્રણ આપવું અને વડા પ્રધાન તે આમંત્રણ સ્વીકારે તે બંને ખોટું છે. માનવ અધિકારો માટે લડતા જાણીતા વકીલ પ્રશાંત ભૂષણના મતે વડા પ્રધાન માટે ખાનગી કાર્ય માટે ચીફ જસ્ટિસના નિવાસસ્થાને જવું સંપૂર્ણપણે અયોગ્ય છે.

શિવસેનાના શિંદે જૂથના રાજ્યસભાના સાંસદ મિલિંદ દેવરાએ આ વિવાદ પર મોદીનાં પગલાંનો બચાવ કરતાં સોશિયલ મિડિયા એક્સ પર લખ્યું છે કે ગણપતિ આરતી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને મુલાકાત લેવા પર વડા પ્રધાન સામે પાયાવિહોણી ટિપ્પણી કરવી દુર્ભાગ્યપૂર્ણ છે.તેમના મતે જ્યારે નિર્ણય તરફેણમાં આવે છે, ત્યારે વિપક્ષ સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતાનાં વખાણ કરે છે, પરંતુ જ્યારે ચુકાદા તેમની તરફેણમાં માર્ગે નથી આવતા ત્યારે તેઓ ન્યાયતંત્રની વિશ્વસનીયતા સાથે સમાધાન કરવાનો આરોપ મૂકે છે. સુપ્રીમ કોર્ટ પર આવા પાયાવિહોણા આરોપો લગાવવા એ એક ખતરનાક ઉદાહરણ સ્થાપિત થવા જઈ રહ્યું છે.

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે મોદી પર હુમલો કરતાં કહ્યું કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો એકબીજાના ઘરે જાય છે. વડા પ્રધાને અત્યાર સુધીમાં કેટલાં ઘરોની મુલાકાત લીધી છે? અમારી શંકા એ છે કે બંધારણના રક્ષકો આ રીતે રાજકીય નેતાઓને મળે છે. સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારની સુનાવણી ચાલી રહી છે. તેમાં એક પક્ષ વડા પ્રધાન છે, શું હવે મુખ્ય ન્યાયાધીશ અમને ન્યાય અપાવી શકશે? અમને તારીખ પછી તારીખ મળે છે. તેમણે આ કેસથી દૂર રહેવું જોઈએ.મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલા પછી રચાયેલી શિંદે સરકાર અને તેની માન્યતા સંબંધિત મામલો પણ સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે.મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવા જઈ રહી છે.ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા પણ સંજય રાઉતના આરોપોનો જવાબ આપવા માટે વિવાદમાં જોડાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોવાના નાતે કે.જી. બાલકૃષ્ણન તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહની ઈફ્તારમાં સામેલ થયા હતા.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે જસ્ટિસ વેંકટાચલીયાએ પોતે જ તેમના કાર્યકાળ દરમિયાન જજો માટે આચારસંહિતા બનાવી હતી. તમામ ન્યાયાધીશો તેને અનુસરી રહ્યા છે. એમ.એન.વેંકટાચલીયા ૧૯૯૩-૯૪ દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા.આ પહેલાં ક્યારેય કોઈ વડા પ્રધાને કે કોઈ રાજકીય વ્યક્તિએ ચીફ જસ્ટિસના કાર્યક્રમમાં આ રીતે ભાગ લીધો નથી.મનમોહનસિંહના નિવાસસ્થાને આયોજિત ઇફ્તારનો કાર્યક્રમ જાહેર કાર્યક્રમ હતો અને તેમાં દરેકને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચંદ્રચૂડના પિતા પોતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા અને તેમણે ક્યારેય આવું કંઈ કર્યું નથી. ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને સ્વતંત્રતાની સાથે ન્યાય મળવો જોઈએ અને ન્યાય થતો પણ દેખાવો જોઈએ.વર્તમાન મુખ્ય ન્યાયાધીશના પિતા વાય.વી. ચંદ્રચૂડ ૧૯૭૮ થી ૧૯૮૫ સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા.

જસ્ટિસ ચંદ્રચુડે દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી પૂર્ણ કરી છે. આ પછી તેઓ સ્કોલરશિપ પર હાર્વર્ડ પહોંચ્યા હતા. ત્યાં તેમણે કાયદામાં માસ્ટર્સ (LLM) અને ન્યાયિક વિજ્ઞાનમાં ડોક્ટરેટ પૂર્ણ કર્યું હતું.ત્યાર પછી તેમણે સુપ્રીમ કોર્ટ, ગુજરાત, કલકત્તા, અલ્હાબાદ, મધ્યપ્રદેશ અને દિલ્હી હાઈકોર્ટમાં વકીલ તરીકે કામ કર્યું હતું. આ પછી તેઓ બોમ્બે હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા હતા.૧૯૮૮ માં તેઓ બોમ્બે હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત થયા. તેઓ ૧૯૯૮ થી ૨૦૦૦ સુધી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) પણ હતા.માર્ચ ૨૦૦૦માં તેમને બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર ૨૦૧૩ માં, તેમણે અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.

જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચૂડને મે ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમણે તા. ૯ નવેમ્બર, ૨૦૨૨ના રોજ ભારતના પચાસમા ચીફ જસ્ટિસ તરીકે સોગંદ લીધા ત્યારે મોદીભક્તોનું બ્લડ પ્રેશર વધી ગયું હતું; કારણ કે ચંદ્રચૂડની છાપ સ્વતંત્ર મિજાજના જજ તરીકે હતી. વળી ભૂતકાળમાં તેમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકે મોદી સરકારની વિરુદ્ધમાં અનેક નિવેદનો કર્યાં હતાં. પરંતુ સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારના મહત્ત્વના નિર્ણયોને પડકારતા કેસો આવ્યા ત્યારે ચીફ જસ્ટિસનું ન્યાયનું પલ્લું સરકારની તરફેણમાં નમી ગયું હતું. દાખલા તરીકે ચીફ જસ્ટિસ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચે સર્વસંમતિથી જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.ચુકાદો આપતાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય દ્વારા લેવામાં આવેલા કેન્દ્રના નિર્ણયને પડકારી શકાય નહીં. કલમ ૩૭૦ યુદ્ધના કિસ્સામાં વચગાળાની જોગવાઈ હતી.

ભારતમાં લોકસભા તેમ જ વિધાનસભાની ચૂંટણીઓમાં વોટિંગ મશીનનો ઉપયોગ કરવો જોઈએ કે જૂની મતપત્રકની પદ્ધતિ તરફ પાછા જવું જોઈએ? એ બાબતમાં વિપક્ષો અને ભાજપ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વિપક્ષોનો આક્ષેપ હતો કે ભાજપ વોટિંગ મશીનમાં ગોલમાલ કરીને ચૂંટણીઓ જીતી રહ્યો છે. આ વિવાદ જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે ભાજપના નેતાઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, કારણ કે જો ચુકાદો તેમની વિરુદ્ધમાં આવે તો સરકારને જોરદાર ફટકો પડે તેમ હતું. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે ચુકાદો સરકારની તરફેણમાં આપ્યો હતો અને વોટિંગ મશીન સાથે છેડછાડ થવાની સંભાવના નકારી કાઢી હતી. આવા અનેક ચુકાદાઓ પછી વિપક્ષના નેતાઓને સમજાઈ ગયું હતું કે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ તેમને લાભ કરાવે તેમ નથી. હવે મોદી સરકાર ચંદ્રચૂડને નિવૃત્તિ પછી શું ઇનામ આપે છે તે જોવાનું રહે છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top