Charotar

ચિખોદરામાં ચપ્પાના ઘા અને બેટના ફટકાથી યુવકની હત્યા

આણંદના ચિખોદરા ગામમાં ક્રિકેટ મેચ દરમિયાન બાઇક અડી જતાં થયેલો ઝઘડો લોહીયાળ બન્યો

આણંદનો યુવક નાઇટ ક્રિકેટ મેચની ફાઇનલ જોવા માટે ચિખોદરા ગયો હતો તે દરમિયાન મારામારી થઇ

(પ્રતિનિધિ) આણંદ તા.23

આણંદના ચિખોદરા ગામમાં શનિવારની મોડી રાત્રે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ દરમિયાન મેદાન બહાર બાઇક આગળથી ખસી જવા મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વાત એટલે સુધી વણસી કે ઉશ્કેરાયેલા યુવકોએ ચપ્પા, વાંસદનો દંડો અને બેટના ફટકાથી યુવકની હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ ચિખોદરા ભારેલો અગ્ની જોવા મળતાં પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યાં હતાં. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે નવથી દસ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં ઘાયલ યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાના પગલે આઈજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.

આણંદના ચિખોદરા ગામમાં આવેલા બુલેટ ટ્રેન બ્રીજ પાસેના મેદાનમાં ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ હતી. આ મેચ જોવા માટે સલમાન હનીફભાઈ વ્હોરા (ઉ.વ.22, રહે. જુના જીન પોલ્સન ડેરી કમ્પાઉન્ડ, આણંદ) તેના કેટલાક મિત્રો સાથે ગયો હતો. આ ક્રિકેટ મેચ દરમિયાન ચિખોદરા ગામમાં રહેતો ઘેટો અને હોલો નામના યુવકો મેદાનની બહાર મેચ જોવા ઉભેલા લોકો વચ્ચેથી બાઇક લઇ પસાર થયાં હતાં. આ સમયે મેચ જોવા આવેલા સોહેબ વ્હોરા અને અર્શ વ્હોરા સાથે બોલાચાલી થઇ હતી. જેમાં વણ વણસી અને અપશબ્દ બોલવા લાગ્યાં હતાં. હજુ કોઇ સમજે તે પહેલા સ્થિતિ વધુ વણસી હતી અને ઘેટો અને હોલોએ તેમના ઓળખીતા શક્તિ, વિશાલ અને ફુલીયો નામના ત્રણ છોકરાને બોલાવી લીધાં હતાં. આ તમામ યુવકોએ એક સંપ થઇ હથીયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલામાં હોલોએ અચાનક અર્શ વ્હોરાને ફેંક પકડી લાફો મારી દીધો હતો. બાદમાં સોહેબને ગડદાપાટુનો મારમારવા લાગ્યાં હતાં. આ ઉપરાંત વિશાલ ચપ્પુ લઇ ધસી આવ્યો હતો અને સોહેબને હાથ પર ઉપરા છાપરી ત્રણ ઘા ઝીંકી દેતાં તે લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડ્યો હતો. આ હુમલામાં સોહેબને છોડાવવા સલમાન વચ્ચે પડતાં ફુલીયો વાંસના દંડાથી તુટી પડ્યો હતો અને સલમાનને મારવા લાગ્યો હતો. આ ઉપરાંત ઘેટો તથા હોલો નામના યુવકોએ સલમાનને પકડી રાખી ફિલ્મીઢબે મારમારવા લાગ્યાં હતાં. બાદમાં વિશાલે ચપ્પાના ઘા સલમાનને ઝીંકી દેતાં હાથ, પીઠ, કાન પર જીવલેણ ઇજા પહોંચી હતી. જ્યારે શક્તિએ બેટથી સલમાનના માથામાં પાછળના ભાગે ફટકો મારતાં તેને ગંભીર હાલતમાં ત્યાંજ ઢળી પડ્યો હતો. આ હુમલામાં અન્ય ત્રણ ચાર યુવકોએ પણ ગડદાપાટુનો મારમાર્યો હતો. આ અફડા તફડીના પગલે પહોંચેલી પોલીસે તાત્કાલિક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં સલમાન વ્હોરાનું મોત નિપજ્યું હતું.

આ ઘટનાથી ચિખોદરા ગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું. જ્યારે આણંદ ગ્રામ્ય પોલીસ સહિતની ટીમના ધાડેધાડા ઉતરી પડ્યાં હતાં અને સ્થિતિને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ઇમરોસ અબ્દુલરહીમ વ્હોરાની ફરિયાદ આધારે ઘેટો, હોલો, શક્તિ, વિશાલ, ફુલીયો તથા બીજા ત્રણથી ચાર યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચિખોદરા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ચિખોદરા ગામમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન બાઇક અડી જવા મામલે થયેલા ઝઘડાના ઘેરા પડઘા ન પડે તે માટે જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પગલાં હાથ ધરવામાં આવ્યાં હતાં. આ સંદર્ભે હાલ ચિખોદરા ગામમાં સંવેદનશીલ પોઇન્ટ, ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે વિવિધ ટીમ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે મોડી સાંજ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નહતી.

Most Popular

To Top