વિદ્યાર્થી/વાલીઓએ ડેડીયાપાડા SDMને આપ્યું આવેદનપત્ર
84 વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમરૂપ, 7 દિવસમાં નિરાકરણ ન આવે તો ધરણાની ચીમકી

ડેડીયાપાડા,તા.16
ડેડીયાપાડા તાલુકાના ચિકદા ગામની મોડેલ સ્કૂલમાં શિક્ષણ વ્યવસ્થા કથળી હોવાનું સામે આવ્યું છે.શાળામાં એક પણ કાયમી કે જ્ઞાન સહાયક શિક્ષક નથી.જેને કારણે બાળકોનાં ભણતર પર જોખમ દેખાઈ રહ્યું છે.આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખુદ પ્રાંત કચેરી ડેડીયાપાડા ખાતે જઈને આવેદનપત્ર પાઠવ્યું છે.


ચિકદામાં આવેલ મોડેલ સ્કુલમાં ધોરણ 6થી 10 અને 11-12 સાયન્સના વર્ગોમાં આદિવાસી બાળકો અભ્યાસ કરતા હોય છે.જેમાં કુલ 84 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આ સ્કુલમાં ઇન્ચાર્જ આચાર્યથી આ કેમ્પસની જવાબદારી નિભાવતા હોય છે. વિદ્યાર્થીઓ સ્કુલે તો આવે પણ શિક્ષકોના અભાવે માત્ર વર્ગખંડમાં બેસીને પાછા જવા મજબુર બનવું પડે છે.
વર્ષ-2014થી કાર્યરત આ મોડેલ સ્કૂલનું પોતાનું હજુ મકાન પણ નથી.વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના વર્ગખંડો અને મધ્યાહન ભોજન શેડમાં બેસાડવામાં આવતા આવે છે.શિક્ષકોની ભરતી અને શાળા મકાન સહિત ભૌતિક સુવિધાઓ માટે ગ્રામ પંચાયત અને પેરેન્ટ્સએ વારંવાર રજૂઆત કરી છે.પણ વર્ષો બાદ પરિણામ શૂન્ય આવ્યું છે.
વિદ્યાર્થીના વાલી અર્જુનભાઈ વસાવાએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના ભણતર પર ભારે જોખમ ઉભું થયું છે.વિદ્યાર્થીઓએ ભણવાની જગ્યાએ માત્ર બેસવાનું સાધન બની ગયું છે.જો 7 દિવસમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે……