Vadodara

ચારૂસેટમાં છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ એક્સ્પો યોજાશે

આણંદ તા.12
ચારૂસેટ યુનીવર્સીટી અને વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ (WWM), યુએસના સંયુક્ત વોટર અને વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 13મી અને 14મી ફેબ્રુઆરી, 2024 દરમિયાન ચારુસેટ કેમ્પસમાં છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ એક્સ્પો ઓન વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટનું આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન 13મીએ સવારે 10 વાગે કરવામાં આવશે. જયારે સમાપન સમારંભ 14મી ફેબ્રુઆરીએ સાંજે 4 વાગે થશે.
ચારૂસેટ ખાતે યોજાનારી કોન્ફરન્સમાં લગભગ 15 રાષ્ટ્રીય અને 30 આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ નિષ્ણાતો ગંદા પાણી અને ઘન કચરાના સતત વધતા જથ્થાને કારણે ઊભા થતા પ્રતિકૂળ પડકારોને પહોંચી વળવાના માર્ગો અને માધ્યમો પર વિચાર વિમર્શ કરશે. આ ઉપરાંત સતત વધતા ઔદ્યોગિકીકરણને કારણે એવી ટેકનોલોજી પર ભાર મુકવામાં આવશે જે ઉત્પન્ન થતા ગંદા પાણીનું રિસાયક્લિંગ અને ઉપયોગ કરશે અને ઘન કચરાના સુરક્ષિત નિકાલને સક્ષમ બનાવશે.
આ કોન્ફરન્સમાં યુએસએમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જેમાં અન્ના મોલર (ઈલીનોઈસ સ્ટેટ રીપ્રેઝેન્ટેટીવ, યુએસએ), પેટ્રિશિયા ફ્લાયન (MWRD કમિશનર, યુએસએ), રોઝ માર્ટિનેઝ (એલ્ગિન સીટીના કાઉન્સિલ વુમન) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક મુખ્ય નિષ્ણાતો હાજરી આપશે. જેમાં ડો. પ્રસૂન ગરગવા (પ્રાદેશિક નિયામક, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વડોદરા) અને ડો. ભરત જૈન (સભ્ય સચિવ, ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર (GCPC), ગાંધીનગર) નો સમાવેશ થાય છે.
ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારની મોટાપાયે કોન્ફરન્સ યોજાઈ રહી છે. તેનાથી ઉદ્યોગો, શિક્ષણવિદો, સંશોધનો અને પ્રદૂષણ સામે લડવામાં સામેલ સંસ્થાઓમાંથી ઉપસ્થિત પ્રતિનિધીઓને લાભ થવાની અપેક્ષા છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા (પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન), ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ (વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, જળ સ્ત્રોતો અને પાણી પુરવઠા) તેમજ અધ્યક્ષ આર. બી. બારડ (IAS) અને સભ્ય સચિવ દેવાંગ એમ. ઠાકર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), ગાંધીનગર, ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટના ડિરેક્ટર ડો. જયપાલ સિંઘ (IFS), ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડો. વિજય ચૌધરી અને CSPITના પ્રિન્સિપાલ ડો. તૃષિત ઉપાધ્યાય દ્વારા આ કોન્ફરન્સના સફળ આયોજન માટે આયોજકોને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Most Popular

To Top