ત્રણ વર્ષના લગ્નજીવન બાદ યુવતીએ ભર્યું અંતિમ પગલું
પરિવારના આક્ષેપ: સાસરીયામાં માનસિક અને શારીરિક ત્રાસ, પોલીસ તપાસ શરૂ
ડભોઇ: ડભોઇ તાલુકાના પવિત્ર તીર્થધામ ચાંદોદ ખાતે આવેલી રેલવે કોલોનીમાં રહેતી કોમલ નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, કોમલબેનના લગ્નને માત્ર ત્રણ વર્ષ જેટલો સમય થયો હતો. આટલા ટૂંકા ગાળામાં જ આવા ગંભીર પગલાં લીધા હોવાને કારણે સ્થાનિકોમાં ચકચાર મચી છે. મૃતકના પિતાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેમની દીકરીને સાસરીયામાં ઘરકંકાસ તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેણી આ પગલું ભરવા મજબૂર બની.
ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને પરિવારજનોના આક્ષેપોની પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં ઘરેલુ તણાવ અને પરિણીતાઓ પર થતા ત્રાસના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. સ્થાનિકોમાં આ બનાવને લઈને દુઃખ અને રોષની લાગણી વ્યાપી છે.
રિપોર્ટર: દીપક જોશી