સામાન્ય મહિલા બેઠક જાહેર થતા સ્થાનિક સામે ‘આયાતી’ ઉમેદવારોની લોબીંગ તેજ, રાજકારણ ગરમાયું
તાલુકા રાજકારણમાં કોન્ટ્રાક્ટરોનો પ્રભાવ, અંજેશ પટેલ પરિવારનું નામ ચર્ચામાં
(પ્રતિનિધિ) ડભોઇ
વડોદરા જિલ્લા પંચાયતની ડભોઇ તાલુકાની ચાંદોદ બેઠક સામાન્ય મહિલા માટે અનામત જાહેર થતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપ તરફથી ઉમેદવારી મેળવવા માટે સેન્સ પ્રક્રિયામાં અંદાજે 15 જેટલી મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. બેઠક સલામત માનવામાં આવતી હોવાના કારણે સ્થાનિક તેમજ બહારથી આવેલા ‘આયાતી’ ઉમેદવારો વચ્ચે જોરદાર લોબીંગ શરૂ થઈ છે.
સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ વખતે ચાંદોદ બેઠક પર ઉમેદવારી માટે ખરાખરીની ટક્કર જોવા મળશે.
ડભોઇ તાલુકાના રાજકારણમાં કોન્ટ્રાક્ટરોની અસરકારક ભૂમિકા હોવાનું લાંબા સમયથી ચર્ચાતું રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકા પંચાયતના કેટલાક કોન્ટ્રાક્ટરો વચ્ચે જિલ્લા પંચાયતની બેઠકોને લઈને પરસ્પર સમજૂતીના સંકેતો પણ જોવા મળી રહ્યા છે.
ચાંદોદ બેઠક માટે તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટર અંજેશ પટેલ પોતાની પત્નીને ઉમેદવાર તરીકે ઉતારવાની તૈયારીમાં હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે ચાંદોદ વિસ્તારમાં પંચાયતના વિકાસ કામોને લઈને અંજેશ પટેલનું પ્રભાવશાળી સ્થાન માનવામાં આવે છે. જોકે, કેટલાક કામોને લઈને સ્થાનિક સ્તરે વિવાદ પણ સર્જાયો હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક સામે ‘આયાતી’ ઉમેદવારોની ટક્કરથી ચૂંટણીમાં વધ્યો રસ
ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક પર અગાઉથી જ કોન્ટ્રાક્ટર લોબીનો પ્રભાવ રહ્યો હોવાનું માનવામાં આવે છે. આ વખતે સ્થાનિક મહિલા દાવેદારો મોટી સંખ્યામાં આગળ આવતા રાજકારણ વધુ રસપ્રદ બન્યું છે.
આધારભૂત સૂત્રો મુજબ બેઠક માટે અનેક મહિલા ઉમેદવારો—જેમા તાલુકા અને ગ્રામ સ્તરની આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સંગઠન સાથે જોડાયેલા નામો—સેન્સ પ્રક્રિયામાં સામેલ થયા છે. સ્થાનિક અને આયાતી ઉમેદવારો વચ્ચે ચાલી રહેલી લોબીંગમાં અંતે પાર્ટી કોને તક આપે છે તે રાજકીય રીતે મહત્વપૂર્ણ રહેશે.
ચાંદોદ બેઠક પર આ વખતે ખરાખરીનો રાજકીય જંગ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દાવેદાર મહિલાઓ
૧. વૈશાલીબા કરણરાજસિંહ – સાગડોદ
- ૨. દિપ્તીબેન મેહુલકુમાર સોની –
- ૩. લતાબેન રાકેશકુમાર
- ૪. નિશાબેન જ્યેન્દ્રકુમાર પટેલ
- ૫. ચેતના અન્જેશભાઈ પટેલ
- ૬. વંદનાબેન કિરપાલ સિંહ રણા
- ૭. અલ્પાબેન પ્રદિપસિંહ રણા
- ૮. અંકિતાબેન અલ્પેશ માછી
- ૯. પન્નાબેન કિરીટસિંહ રણા
- ૧૦. દક્ષાબેન હરેશભાઈ બારીયા
- ૧૧. પટેલ રંજનબેન સુભાષચંદ્ર
- ૧૨. જયશ્રી જશવંતસિંહ
- ૧૩. સુમિત્રાબેન અલ્પેશસિંહ પાંજરોલિયા
- ૧૪. તારાબેન અશોકભાઈ સોલંકી
- ૧૫. અંકિતાબેન વીરપાળ સિંહ
રિપોર્ટર: દીપક જોશી