આણંદ, તા.4
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં ગુરુવારના રોજ ઉત્તર દિશા તરફથી હિમ પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયું હતું. પંથકમાં મહત્તમ તાપમાન 24.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં 93 ટકા ભેજ હોવાથી વહેલી સવારે ધુમ્મસ છવાયું હતું.
આણંદમાં છેલ્લા ચાર દિવસથી વહેલી સવારે અને રાત્રિ દરમ્યાન ઠંડીનો વધુ ચમકારો અનુભવાયો છે. દરમ્યાન આજે વહેલી સવારથી આકાશ વાદળછાયું થવા સાથે શીત લહેર ફરી વળી હોય તેવું ટાઢોડું અનુભવાયું હતું. વહેલી સવારે જ ચરોતરના આકાશમાં ગાઢ ઘુમ્મસ છવાયાનું જોવા મળ્યું હતું. જેથી મોર્નિગ વોક અને સવારે શાળા,નોકરીએ કે અન્ય કામસર બહાર નીકળનારાઓ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. જો કે દિવસભર 12થી 14 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા હોવાથી ઠંડીથી બચવા દિવસે પણ સ્વેટર, જેકેટ, મફલર, મોજાં સહિત ફરજિયાત પહેરવા પડયા હતા. જયારે નેશનલ હાઇવે અને અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ઝીરો વિઝિબિલીટીના કારણે નાના, મોટા વાહનચાલકોને હેડ લાઇટ ચાલુ રાખીને ધીમેથી વાહનો હંકારવાની ફરજ પડી હતી. જો કે ઘુમ્મસના કારણે અનેક સ્થળોએ ઝાકળ પડવાના કારણે માર્ગો પર ભીનાશ છવાઇ હતી. લઘુત્તમ 14.8 હોવા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93 ટકા નોંધાયું હતું. જો કે સવારે સાડા દસ વાગ્યા સુધી ઠંડાગાર પવનથી લોકોને ઠુંઠવાઈ જવાય તેવી સ્થિતિ અનુભવી હતી.
ચરોતર પંથકમાં હિમ પવન ફૂંકાતા લોકો થરથરી ઉઠ્યાં
By
Posted on