Charotar

ચરોતરની આજીવીકા એવા પશુ ચોરી કરી કતલખાને વેચી દેવાનું કૌભાંડ…

આણંદ – ખેડા જિલ્લામાં પશુ ચોરી કરતી ધોળકાની ગેંગ પકડાઇ

આણંદ જિલ્લામાંથીજ 20 જેટલા પશુ ચોરી કર્યાની કબુલાત કરી

આણંદ અને ખેડા જિલ્લામાં ખેતી બાદ પશુપાલક મુખ્ય વ્યવસાય છે. આ પશુ અનેક પરિવાર માટે આજીવીકાનું સાધન છે. આ આજીવીકા પર ધોળકાની કૂખ્યાત ગેંગની નજર પડી હતી અને એક પછી એક પશુ ચોરી કરી તેને કતલખાને મોકલી આપવાના નેટવર્કનો પર્દાફાશ ખયો છે. આ અંગે ત્રણની ધરપકડ કરી છે, જ્યારે વધુ બેની શોધખોળ હાથ ધરી છે.

આણંદ જિલ્લામાં વધી રહેલી પશુ ચોરી ચિંતાનો વિષય બન્યો હતો. આ અંગે લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર પી. બી. જાદવ સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ઇન્ટેલીજન્સ, ટેકનીકલ ઇન્ટેલીજન્સથી માહિતી એકઠી કરતાં બોલેરો પીકઅપ ડાલુ તથા ઇનોવા ગાડી લઇ કેટલાક શખ્સ ઢોર ચોરીઓ કરવા આવતાં હોવાનું જણાયું હતું. આથી, સ્પેશ્યલ પેટ્રોલીંગ ટીમ બનાવી આવા વાહનો પર ખાસ નજર રાખવાનું શરૂ કર્યું હતું. દરમિયાનમાં એએસઆઈ જયદીપસિંહને બાતમી મળી હતી કે, ધોળકાનો મકબુલ સત્તાર મન્સુરી તથા તેના સાગરીતો બોલેરો પીકઅપ ડાલુ લઇ સોજિત્રા વિસ્તારમાં ઢોર ચોરી કરવા આવી રહ્યા છે. આ બાતમી આધારે સોજિત્રા ચોકડી તથા ડભોઉ ચોકડીએ ટીમ વોચમાં ગોઠવી હતી. દરમિયાન વર્ણનવાળુ ડાલુ આવતા રોકવા ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઉભી રાખી નહતી અને પુરઝડપે ભગાડી હતી. આખરે તેને ડભોઉ ચોકડીએ આડ કરી રોકવામાં સફળતા મળી હતી. આ ગાડીમાં ત્રણ શખ્સ મળી આવ્યાં હતાં. જ્યારે બે શખ્સ અંધારાનો લાભ લઇ ભાગી ગયાં હતાં. આથી, પોલીસે પકડાયેલા ત્રણેય શખ્સની અટક કરી હતી અને તેમની પાસેથ મોબાઇલ, બે મોટા ધારદાર છરા, એક મોટી કોસ મળી આવી હતી. આ ઉપરાંત ગાડીની પાછળ મીણીયા થેલીમાં દોરડા ભરેલા હતાં. ડાલાની અંદરની સાઇડોએ કડા મારેલાં હતાં. નીચેના તળીયાના ભાગે પશુઓના છાણ જણાવ્યું હતું. આ અંગે આગવી ઢબે પુછપરછ કરતાં આ ટોળકી પશુ ચોરી કરતી વખતે દોરડા કાપવા તથા ખીલો ઉખેડવા માટે તેમજ ઢોર ચોરી કરવા માટે નિકળેલી હોવાની હકિકત બહાર આવી હતી.

આ શખ્સોને પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં તે મકબુલ સત્તાર મન્સુરી (રહે. ધોળકા), વાહીદ ઉર્ફે બેરો ઇસ્માઇલ મુસા વ્હોરા (રહે. ધોળકા) અને સોયબ ઉર્ફે બિલ્લો યુસુફ ઘાંચી (રહે. ધોળકા) હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભાગી ગયેલાં શખ્સો શારીક મહેબુબ સૈયદ (રહે. વેજલપુર, અમદાવાદ) અને જુનેદ (રહે. અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસે ડાલુ, હથિયાર સહિત કુલ રૂ.9.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આણંદ જિલ્લામાં દસ સ્થળે પશુ ચોરી કરી હતી

આણંદમાં પકડાયેલી ધોળકાની પશુ ચોર ટોળકીએ કુલ 20 પશુ ચોરી કબુલી હતી. જેમાં ધુંળેટી, મહેળાવ, બાંધણી રઢુપુરા, ભૂતપીપળી, પેટલાદ શાહપુર, વિશ્નોલી, વટાવ, અરડી, સાંસેજ, પરીએજ, રાજુપીરનીદરગાહ, ભાલેજ, ડાલી, ડભોઉ સહિતના ગામોમાંથી ચોરી કર્યાં હતાં.

રાતના અંધારામાં ગણતરીની મિનિટમાં પશુ ઉઠાવી જતાં હતાં

ધોળકાની પશુ ચોર ટોળકી ખૂબ જ રીઢી હોવાનું ખુલ્યું છે. પકડાયેલા શખ્સો તેમના સાગરીતો સિલ્વર કલરની ઇનોવા ગાડી તથા પીકઅપ ડાલુ લઇ આવી ગ્રામ્ય વિસ્તારના રોડ પર છુટા બાંધેલા પશુને નિશાન બનાવતાં હતાં. તેઓ આજુબાજુમાં કોઇ જાગતું ન હોય તે જોઇ ઢોરને બાંધેલું દોરડું કાપી, કાઢી નાંખી તથા કોષથી ખીલો કાઢી નાંખી ઢાળ વાળી જગ્યાએ વાહન ઉભુ રખાવી ઢોરને ધક્કાથી ચઢાવી ઢોરને દોરડા વડે બાંધી દઇ ઉઠાવી જતાં હતાં.

Most Popular

To Top