નડિયાદ: સમગ્ર રાજ્યમાં શુક્રવારથી ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવા અને વરસાદી પાણીના સંગ્રહ માટેના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો શુભારંભ થયો છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં ચકલાસીના ભારતી વિનય મંદીર ખાતે મહુધા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા 31મી મે,23 સુધી રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ લોક સહયોગથી મહત્તમ જળ સંચયના કામો હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતગર્ત આજરોજ નડિયાદના ચકલાસી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુજલામ સુફલામ જળ અભિયાન – 2023ના શુભારંભના જિલ્લા કક્ષાના કાર્યક્રમ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે 2023ના વર્ષમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડી-શીલ્ટિંગના કામો, રીપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવિત કરવાના અને નહેરોની, કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સુજલામ સુફલામ યોજના વર્ષ 2018થી અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કુલ 74,509 કામો સફળતા પૂર્વક પુર્ણ કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં વર્ષ 2019માં કુલ 505, વર્ષ 2020માં કુલ 738, વર્ષ 2021માં કુલ 755 અને વર્ષ 2022માં કુલ 692 એમ છેલ્લા ચાર વર્ષમાં કુલ 2690 કામો પુર્ણ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે નડિયાદ તાલુકાના ચકલાસી ગામ ખાતેના રજેવાળ તળાવમાં સુજલામ સુફલામ યોજના હેઠળ કરવામાં આવનાર કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. રજેવાળ તળાવની સંગ્રહશક્તિ 3.10 એમસીએફટી છે. જેના દ્વારા 100 હેક્ટરના વિસ્તારના 20 જેટલા બોરકુવા લાભાંવિત થશે. જ્યારે વરસાદ ઓછો હોય તેવી સ્થિતીમાં તળાવ ભરવાથી આસપાસના વિસ્તારમાં રીચાર્જીંગ દ્વારા પાણીનું તળ ઉંચુ આવી શકે તેમ છે. આ તળાવના ખોદાણની કામગીરી કરવાથી આસપાસના ગામડાઓના લોકોના ખેડૂતોને સિંચાઈ તથા તેના આધારીત અન્ય લાભો મળી રહેશે.
આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો પણ રજુ કરવામાં આવ્યાં હતાં.
ખેડા જિલ્લામાં કેટલો ટાર્ગેટ?
સુજલામ સુફલામ જળ અભિયાન 2023ના માસ્ટર પ્લાન અંતગર્ત જિલ્લામાં કુલ રૂ. 551.57 ના કુલ 571 કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી જળ સંપતિ વિભાગના રૂ. 487.32 લાખના 262 કામો, નર્મદા નિગમ વિભાગના રૂ. 22.68 લાખના 15 કામો, પાણી પુરવઠા વિભાગના રૂ. 6.67 લાખના 278 કામો અને વોટર શેડ વિભાગના રૂ. 34.90 લાખના 16 કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ૨૦૨૨માં સુજલામ સુફલામ જળ અભિયાન અંતગર્ત રૂ. 507.75 લાખના કુલ 622 કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા.
બોચાસણ ખાતેથી જિલ્લા કક્ષાના સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાયો
આણંદ જિલ્લામાં પણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકીના હસ્તે બોચાસણ ખાતે નિર્માણ પામનાર તળાવનું ખાતમુહુર્ત કરી જળ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં અનેક જળસંચયના સ્ત્રોત -તળાવો આકાર પામ્યા છે, જેના પરીણામે લોકોને પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થઈ રહી છે. આણંદ જિલ્લામાં આ યોજના અંતર્ગત આગામી દિવસોમાં તળાવો ઊંડા કરવાના કામો, તળાવ સાફ સફાઇના કામો, રિપેરીંગ કામો તેમજ ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવીત કરવાના અને નહેરો તેમજ કાંસની સફાઇના કામો કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ, પેટલાદ ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, કલેક્ટર ડી. એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર મનોજ પરમારે અભારવિધિ કરી હતી.