Gujarat

ચક્રવાતી હવાના દબાણને લીધે રાજ્યના અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ

ગાંધીનગર : દક્ષિણ – પશ્વિમ રાજસ્થાન પર ચક્રવાતી હવાનું દબાણ સક્રિય છે જેના પગલે ગુજરાત પર આગામી તા.26મીથી 28મી ડિસે. સુધીમાં માવઠુ થવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજયના વિવિધ ભાગોમાં આ માવઠુ થવાની વકી રહેલી છે. આજે સોમવારે દિવસ દરમિયાન રાજયમાં આકાશમાં વાદળછાયુ રહ્યું હતું. જેના પગલે શીત લહેરની અસર જોવા મળી હતી. રાજયમાં આજે સોમવારે કચ્છના નલિયામાં કોલ્ડ વેવની અસર હેઠળ કાતિલ ઠંડીની અસર વર્તાઈ હતી. નલિયા આજે સોમવારે 8 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. 48 કલાક પછી રાજયમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાશે. હજુયે આગામી 28મી ડિસે. સુધી રાજયમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજયમાં આગામી 26મીથી 28મી ડિસેમ્બર સુધીમાં દક્ષિણ રાજસ્થાન પર રહેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં માવઠું થશે. આ ઉપરાંત તા.26મીથી 28મી ડિસેમ્બર દરમિયાન આ જિલ્લાઓમાં પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજયમાં ઉત્તર ગુજરાત પણ કાતિલ ઠંડીની ચપેટમાં આવી ગયુ છે. આજે સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ તથા ગાંધીનગરમાં કાતિલ ઠંડીની ઝપટમાં આવી ગયા હતા. શહેરીજનો કાતિલ ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 18 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે.,વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., ભૂજમાં 12 ડિ.સે., નલિયામાં 7 ડિ.સે., કંડલા પોર્ટ પર 15 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે., અમરેલીમાં 15 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે.,રાજકોટમાં 13 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., મહુવામાં 13 ડિ.સે., અને કેશોદમાં 14 ડિ.સે.,લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

Most Popular

To Top