Charchapatra

ચકલી ગાંઠતી નથી

ગત 05 જૂનના રોજ ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી. એમ. વેંકૈયા નાયડુના ખાનગી એકાઉન્ટ પરથી ટિવટરે બ્લૂ ટિક હટાવતાં દેશભરમાં ઉગ્ર વિરોધ થયો હતો. પરિણામે કેન્દ્ર સરકારે ટ્વિટર-ઇન્ડિયાને આ જ દિને છેલ્લી નોટીસ ફટકારતાં જણાવ્યું છે કે ભારત સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી રૂલ્સ-2021 નીચે ઘડાયેલા નવા નિયમોનું 26 મે થી પાલન ન કરવાને કારણે, હવે પછી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે જણાવવાનું કે આજે અશ્લીલ, હિંસા, આતંક, અફવા અને ઘૃણા સંબંધિત થોકબંધ સામગ્રી વોટસએપ, યુટયૂબ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ અને ટ્વિટર પર હંમેશા છલકાતી રહે છે.

ગત 2019 ના છેલ્લા 03 અને 2020 ના પ્રથમ 03 માસમાં આ પ્રકારની સામગ્રીનો આંક અનુક્રમે 17 અને 47 લાખ હતો. આવી સામગ્રીની ઘાતક અને ઘૃણાત્મક અસર, દેશભરના વોટસએપના 53, યુટયુબના 44.8, ફેસબુકના 41, ઇન્સ્ટ્રાગામના 21 અને ટ્વિટરના 1.75 કરોડ ઉપભોકતાઓના માનસઘડતર પર પડે છે. તેથી આવી વિઘાતક અસરોને નાથવા ભારત સરકારનો સોશ્યલ મીડિયા પર અંકુશ જરૂરી છે. જે અન્વયે ઉપરોકત રૂલ્સની જોગવાઈઓનો ભંગ કરવા બદલ કલમ 79 અને ભારતીય દંડસંહિતા-1860 ની સંબંધિત કલમ નીચે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ શિક્ષા અને દંડને પાત્ર થાય છે.

ઉપરોકત નિયમો સંદર્ભે એક નિયમ એવો છે કે, ભારત સરકારના અધિકૃત સત્તાધીશ માગે ત્યારે ટિવટરે માહિતીના મૂળ સ્રોતની વિગતો આપવી પડશે. પરંતુ પ્રસ્તુત નિયમનું પાલન કરવાનો સાફ નનૈયો ભણીને, ટ્વિટર-ઇન્ડિયાએ દિલ્હીની વડી અદાલતમાં બચાવ તરીકે નક્કર 02 મુદ્દા રજૂ કરતાં કહ્યું હતું કે આ નિયમનું પાલન કરવાથી (01) ભારતીય રાજ્ય બંધારણે મૂળભૂત અધિકાર તરીકે આર્ટિકલ 21 નીચે બક્ષેલ પ્રાઈવસી એટલે કે અંગત જીવનની ગુપ્તતાના અધિકારનો ભંગ થાય છે. વધુમાં એવી રજૂઆત કરી હતી કે પુટ્ટા સ્વામી વિ.ભારત સંઘ 2017 ના કેસમાં, દેશની સર્વોચ્ચ અદાલતે પણ આ પ્રમાણે જ ચુકાદો આપ્યો હતો અને (02) આર્ટિકલ 19 (એ) નીચે આપેલ વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારનો પણ ભંગ થાય છે. ટૂંકમાં દેશની એકતા, સુરક્ષા સાર્વભૌમત્વ સલામતી અને સામાજિક માળખાને નુકસાન કરે તેવી સામગ્રી ટ્વિટર પર મુકાય તો ટ્વિટર સામે કાનૂની પગલાં લેવાં જ જોઇએ. પરંતુ ટ્વિટર ભારતીય રાજ્ય બંધારણના ઉપરોકત મૂળભૂત અધિકારોનું જતન કરવાની જવાબદારી પોતાના શિરે લઇ બેઠું છે. પરિણામે ઇન્ફર્મેશન ટેકનોલોજી રૂલ્સ 2021 નીચે ઘડાયેલા નવા નિયમોનું પાલન કરવા, વિશ્વના અંદાજે 23 કરોડ ઉપભોકતા ધરાવતી ચકલી (ટ્વિટરનું ચિહ્ન) કોઇ વાતેય ગાંઠતી જ નથી.
સુરત-પ્રા. જે. આર. વઘાશિયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top