Godhra

ઘોઘંબા તાલુકાના નાથકુવા ગામમાં જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર ગ્રામજનો

પ્રતિનિધી ગોધરા તા.08

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા નાથકુવા ગામના લોકો ભારે વરસાદ દરમિયાન જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ગામ નજીક આવેલું નાળું નીચું અને જર્જરિત હોવાથી વરસાદનું પાણી તેના પર ફરી વડે છે જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

પાવાગઢથી ઘોઘંબા જતા રસ્તા પર રણજીતનગર ગામ પાસે આવેલું નાથકુવા ગામ આશરે ૧૦૦૦થી ૧૨૦૦ની વસ્તી ધરાવે છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે ગામના નાળા પર પાણી ફરી વળે છે અને તેનો પ્રવાહ ખૂબ જ તેજ હોય છે. આવા સમયે નોકરિયાત વર્ગના લોકો, તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જતા વિદ્યાર્થીઓ રસ્તા પર બે-ત્રણ કલાક સુધી પાણી ઓછું થવાની રાહ જોવા મજબૂર બને છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ નાળું ખૂબ જ જૂનું અને નાનું છે. જ્યારે પણ ભારે વરસાદ પડે છે ત્યારે પાણીનો પ્રવાહ એટલો બધો હોય છે કે તે નાળા પરથી વહેવા લાગે છે. આ પરિસ્થિતિમાં રસ્તો પાર કરવો અત્યંત જોખમી બની જાય છે અને છતાં ગ્રામજનોને મજબૂરીવશ જીવના જોખમે પસાર થવું પડે છે.

ગામલોકો દ્વારા નાળું ઊંચું કરવા માટે ગ્રામ પંચાયત મારફતે અનેક વખત સ્થાનિક તંત્રને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. પરિણામે, ચોમાસાની દરેક સીઝનમાં નાથકુવા ગામના રહીશોની મુશ્કેલીઓ યથાવત રહે છે. ગામલોકોએ તાત્કાલિક ધોરણે આ નાળાને ઊંચું કરીને પહોળું કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને લોકો સલામત રીતે અવરજવર કરી શકે.

Most Popular

To Top